અમદાવાદ-મુંબઈ વંદે ભારત હવે 20 કોચ સાથે દોડાવાશે, ભુજ-ઓખાથી વિશેષ ટ્રેનની જાહેરાત
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા વધતી માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં (ટ્રેન નંબર 22961/22962) હંગામી ધોરણે વધુ 4 કોચ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન તારીખ 26 જાન્યુઆરી 2026 થી 07 માર્ચ 2026 દરમિયાન હાલના 16 કોચના બદલે 20 કોચ (20 કોચ રેક) સાથે સંચાલિત કરવામાં આવશે
આ વૃદ્ધિના અંતર્ગત હાલના C14 કોચની ક્ષમતા 44 સીટોથી વધારીને 78 સીટ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત, વધારાના ચાર નવા એસી ચેર કાર કોચ C15, C16, C17 (દરેકમાં 78 સીટો) તથા C18 (44 સીટો) ટ્રેન સંરચનામાં ઉમેરવામાં આવી રહ્યા છે. આ રીતે આ ટ્રેનમાં 278 મુસાફરો વધુ મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ઓખા-મુંબઈ માટે વીકલી સ્પેશિયલ ટ્રેનની જાહેરાત
ટ્રેન સંખ્યા 09562 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન સંખ્યા 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ઉપલબ્ધ
ટ્રેન નંબર 09009/09010 બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ (10 ફેરા)
ટ્રેન નંબર 09009 (બાંદ્રા ટર્મિનસ–ભુજ): આ ટ્રેન દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી 19:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09:50 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09010 (ભુજ–બાંદ્રા ટર્મિનસ): આ ટ્રેન દર સોમવારે ભુજથી 14:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
કર્ણાવતી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં હંગામી ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલન કારણોસર ટ્રેન સંખ્યા 12933 મુંબઈ સેન્ટ્રલ–વટવા તથા ટ્રેન સંખ્યા 12934 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં અસ્થાયી રૂપે પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તારીખ 26.01.2026 થી 07.03.2026 સુધી આ ટ્રેનનું આગમન/પ્રસ્થાન મુંબઈ સેન્ટ્રલ (એમએમસીટી)ના સ્થાને બાંદ્રા ટર્મિનસ (બીડીટીએસ) પરથી કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:
• બાંદ્રા ટર્મિનસ–વટવા કર્ણાવતી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12933) તારીખ 26.01.2026 થી 07.03.2026 સુધી મુંબઈ સેન્ટ્રલના સ્થાને બાંદ્રા ટર્મિનસ પરથી 13:55 કલાકે પ્રસ્થાન કરશે.
• અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12934) તારીખ 26.01.2026 થી 07.03.2026 સુધી મુંબઈ સેન્ટ્રલના સ્થાને બાંદ્રા ટર્મિનસ પર બપોરે 12:30 કલાકે સમાપ્ત થશે.
