યુદ્ધના ભણકારા? પશ્ચિમ એશિયામાંથી અમેરિકાએ આર્મી કેમ્પ હટાવ્યા, ઈરાન સાથે ટકરાવની તૈયારી!
ઈરાનની ચેતવણી બાદ અમેરિકાનું મોટું પગલું: કતાર સહિતના દેશોમાંથી સૈન્ય હટાવતા વધ્યું વિશ્વયુદ્ધનું જોખમ

ઈરાનમાં ચાલી રહેલી સરકારી વિરોધી પ્રદર્શન દિવસેદિવસે હિંસક બની રહ્યા છે. એક તરફ અમેરિકાતરફી પ્રદર્શનકારીઓ ઓપન સમર્થન મળી રહ્યું છે, જ્યારે અમેરિકાએ પણ લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપી છે. બીજી બાજુ ઈરાન તરફથી કતાર, સઉદી અરેબિયા, યુએઈ જેવા દેશમાં અમેરિકાના લશ્કરી કેમ્પ પર હુમલાની ચેતવણીને કારણે દુનિયાની ચિંતા વધારી છે. દરમિયાન અમેરિકન પ્રશાસન દ્વારા કતારના અલ ઉદેદ એર બેઝ સહિત પશ્ચિમી એશિયાના મહત્ત્વના કેમ્પમાંથી સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ પગલું વધતા તનાવ અને ઈરાન પર યુદ્ધની સંભાવનાનો નિર્દેશ કરે છે.
આ પગલા પછી, કતારે કહ્યું કે પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે અને તે તેના નાગરિકો અને મહત્વપૂર્ણ માળખાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. જોકે, અધિકારીએ સુરક્ષા કારણોસર સ્થળાંતર ફરજિયાત હતું કે સ્વૈચ્છિક હતું તે સ્પષ્ટ કર્યું નથી. તેમાં લશ્કરી કે નાગરિક કર્મચારીઓ સામેલ હતા કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી, અને કેટલા લોકોને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે અમેરિકા દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાને તેના પ્રાદેશિક દેશોમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ, અમેરિકાની સતર્કતાનું એક મોટું કારણ એ છે કે ઈરાને અગાઉ કતારમાં અમેરિકન લશ્કરી મથક પર હુમલો કર્યો હતો. જૂનમાં ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલા બાદ, ઈરાને આ મથક પર મિસાઈલ હુમલો કર્યો હતો.
મૂળ વાત સમજીએ તો ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનને અમેરિકન રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે. બીજી બાજુ ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે જો ઈરાન પ્રદર્શનકારીઓ અત્યાચાર કરશે તો અમેરિકા આર્મીનો ઉપયોગ કરીને અત્યાચાર કરનારાને ડામી દેશે અને આ જ વાતને અમેરિકા અનેક વખત ધમકી આપી ચૂક્યું છે. એના પછી ઈરાને પણ ચેતવણી આપતા કહ્યું છે કે અમેરિકા હુમલો કરશે તો કતાર, સઉદી અરેબિયામાં અમેરિકન કેમ્પ પર હુમલા કરવામાં આવશે.
ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર અલી શમખાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમેરિકા એ યાદ રાખવું જોઈએ કે ઈરાન પણ અમેરિકન આર્મીની છાવણીઓ પર હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. આગળ ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાન કોઈ પણ હુમલાનો મજબૂત જવાબ માટે સક્ષમ છે અને જવાબ પણ આપશે.
બીજી બાજુ ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ, ચીન-તાઈવાન વચ્ચે ઘર્ષણ વચ્ચે પણ ભારતે ઈરાનમાંથી ભારતીયોને પરત આવવાની અપીલ કરી છે. એના સિવાય અમેરિકાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 75 દેશથી આવનારા લોકોની વિઝા પ્રક્રિયા સ્થગિત કરી છે, જ્યારે ઈરાનના સાથી રાષ્ટ્રો પર પણ ટેરિફ લાદવાની વેતરણમાં છે, જે એક નહીં અનેક પ્રકારના સંકેતો છે, જેની નોંધ ભારતે પણ લેવી જોઈએ.
