March 21, 2026
ગુજરાત

જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ‘હૃદય કુંજ’માં રેંટિયો કાત્યો, જાણો મહત્ત્વ?

Spread the love

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે

ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ સહિત અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બંને દેશના સંબંધોનું મહત્ત્વ ફક્ત સાંસ્કૃતિ જ નહીં, પરંતુ વેપાર-આર્થિક રીતે મહત્ત્વ ધરાવે છે. ગાંધી આશ્રમની આ મુલાકાત સાંસ્કૃતિક સેતુ બાંધવાની સાથે સાથે નીચે મુજબના વ્યાપારી પાસાઓ પર અસર કરે છે.

સોફ્ટ પાવર ડિપ્લોમસી: આ પ્રકારની હાઈ-પ્રોફાઈલ મુલાકાતોથી ગુજરાતના પ્રવાસન (Tourism) ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વેગ મળે છે.

રોકાણ માટે વિશ્વાસ: જર્મન નેતૃત્વની સીધી મુલાકાતથી ગુજરાતમાં કાર્યરત જર્મન કંપનીઓ અને નવા રોકાણકારોમાં સુરક્ષા અને સહકારનો વિશ્વાસ વધે છે.

ખાદી અને હસ્તકલા: રેંટિયો અને ગાંધી વિચારોના પ્રચારથી ભારતીય હેન્ડલૂમ અને ખાદી ઉત્પાદનોના આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધવાની શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!