ભાવનગરમાં નદીમાં બસ ડૂબીઃ 29 પ્રવાસીના જીવ બચાવાતા રાહત
ભાવનગરઃ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદને કારણે નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ગઈકાલે મધરાતે માલેશ્રી નદીના પાણીના સ્તરમાં વધારો થયો પછી એક બસ ફસાઈ ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા 29 પ્રવાસીનો જીવ જોખમમાં મૂકાયો હતો.

માલેશ્રી નદીના જળસ્તરમાં વધારો થતા હોનારત
ભાવનગરથી લગભગ 25 કિલોમીટરના અંતરે કોલિયાક ગામ નજીક આ બનાવ બન્યો હતો. આ બનાવની જાણ થયા પછી બચાવકર્તા ટીમની સાથે એનડીઆરએફના જવાનોએ જીવ બચાવી લેવામાં આવતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. માલેશ્રી નદીનું જળસ્તર વધ્યા પછી એક બસના પાણીમાં તણાઈ હતી, પરિણામે બસના પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાયા હતા.
મોટા ભાગના પ્રવાસી તમિલનાડુના રહેવાસી
બસના પ્રવાસીઓ બૂમાબૂમ કરી મૂકી હતી, જેમાં મોટા ભાગના પ્રવાસીઓ તમિલનાડુના હતા. કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવના મંદિરની મુલાકાતે જવાના હતા, પરંતુ બસનું આગળનું વ્હિલ ફસાઈ ગયું હતું, તેથી બસ ખોટકાઈ હતી. આ બનાવની જાણ વહીવટી પ્રશાસનને થયા પછી બચાવકર્તા ટીમ દ્વારા તમામ પ્રવાસીઓને બસમાંથી ઉતારીને ટ્રકમાં ચઢાવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે ટ્રક પણ ફસાઈ ગયો હતો.
હ્યુમન ચેન દ્વારા તમામને સુરક્ષિત રીતે બચાવાયા
પાણીનો જોરદાર પ્રવાહ હોવાથી ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. લગભગ બે કલાક પછી બચાવ કર્તા ટીમ દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વિમરની સાથે એનડીઆરએફની ટીમ દ્વારા હ્યુમન ચેન બનાવ્યા પછી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. ભાવનગરના કલેક્ટર આરકે મહેતાએ કહ્યું હતું કે સ્થાનિક સુરક્ષા તંત્રની સાથે કેન્દ્રીય એજન્સીના સંકલનને કારણે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, અંધારાને કારણે વધુ મુશ્કેલી પડી હતી.
