PM Narendra Modi અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ-કમલા હેરિસને કેમ ના મળ્યા?
ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષમાં નવ વખત અમેરિકા ગયા. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતથી વડા પ્રધાન મોદી ભારત પરત પણ ફર્યા ત્યારે હવે એક ચર્ચાએ જોર પકડ્યું છે. વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રવાસ વખતે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમ જ કમલા હેરિસને કેમ ના મળ્યા. હવે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લગભગ પાંચ અઠવાડિયાનો સમય બાગી છે. આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે મોદી આગામી અઠવાડિયા દરમિયાન તેમને મળવા આવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને શાનદાર ગણાવ્યા
મિશગન ખાતેની રેલી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે રેલીમાં કહ્યું હતું કે તેમને મોદી મળવાના છે, પરંતુ આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહોતું. અમેરિકાની ચૂંટણીમાં ભારતનું વલણ પણ તટસ્થ છે. આ જ કારણથી પીએમ મોદીના કાર્યક્રમમાં આયોજકોએ કોઈ ભારતીય-અમેરિકન પ્રતિનિધિઓ સાથે કોઈ નેતાને આમંત્રિત કર્યા નહોતા. જોકે, 2019માં મોદી ટ્રમ્પની સાથે હ્યુસ્ટન હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ 2020માં અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. આ કાર્યક્રમને લઈ ડેમોક્રેટ્સને એવી ધારણા હતી કે ભારત ટમ્પનું સમર્થન કરે છે, જ્યારે તેની છબિ સુધારવા માટે ભારત સરકારને પણ બહુ પાપડ પેલવા પડ્યા હોવાનું પણ રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું. ચૂંટણીને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ સંભવતઃ વ્યસ્ત હોવાને કારણે મોદીની સાથે કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહીં એવું પણ કહેવાય છે.
પીએમ મોદી અમેરિકામાં વિયેટનામના રાષ્ટ્રપતિને મળ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફચુચર સમિટ અંતર્ગત ન્યૂ યોર્કમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામના સમાજવાદી પ્રજાસત્તાકના ગણરાજ્યના પ્રમુખ મહામહિમ ટો લામ સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ વિયેટનામના રાષ્ટ્રપતિ ટો લામને ઉન્નત નેતૃત્વની જવાબદારીઓ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સતત સહયોગની આશા વ્યક્ત કરી હતી.
યાગી વાવાઝોડા અંગે પીએમ મોદીએ વ્યક્ત કરી સહાનુભૂતિ
વડા પ્રધાન મોદીએ આ મહિનાની શરૂઆતમાં આવેલા વાવાઝોડાં યાગીને કારણે થયેલા નુકસાન માટે વિયેતનામની સાથે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. પ્રમુખ અને જનરલ સેક્રેટરી ટો લેમે ઓપરેશન સદભાવ હેઠળ ભારત દ્વારા સંકટના સમયે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતની સમયસર પુરવઠા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે અતૂટ પરસ્પર વિશ્વાસ, સમજણ અને સહિયારા હિતો દ્વારા ચિહ્નિત થયેલ ઊંડા સભ્યતા અને સાંસ્કૃતિક કડીઓ અને વધતા વ્યૂહાત્મક સંબંધોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. અહીં એ જણાવવાનું કે ગયા મહિને ભારત આવેલા વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ સાથેની મુલાકાતને યાદ કરતાં તેઓએ દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. બંને દેશના નેતાઓએ ઈન્ડો-પેસિફિક સહિત મહત્વના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ગ્લોબલ સાઉથ માટે સામૂહિક ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
