મુંબઈગરાનો પ્રવાસ બનશે મોંઘો, CNGના ભાવવધારા બાદ યુનિયનની ભાડા વધારાની માંગણી
મુંબઈ: લોકસભાની ચૂંટણીઓ પહેલાં દરેક વસ્તુઓના ભાવમાં ઘટાડા કે કાપ મૂકવામાં આવ્યા હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા હતા, પરંતુ હવે પરિણામો જાહેર થયા બાદ પરિસ્થિતિ 360 ડિગ્રી બદલાઈ ગયેલી દેખાઈ રહી છે. દરરોજ સવાર પડે ને અલગ અલગ ચીજ-વસ્તુ, પેટ્રોલ-ડીઝલ, ટોલ વગેરેના ભાવમાં વધારો થયો હોવાના સમાચારો સામે આવી રહ્યા છે.
હવે આવો જ ભાવવધારો મુંબઈગરાના માથે તોળાઈ રહ્યો છે. સરકાર દ્વારા સીએનજીના ભાવમાં કરેલા દોઢ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેતા હવે રિક્ષા ટેક્સીચાલકોના સંગઠન દ્વારા પણ ભાડામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જેને કારણે મુંબઈગરાનો પ્રવાસ આવનારા દિવસોમાં મોંઘો બનશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં કરેલા વધારા બાદ હવે રિક્ષચાલકોએ પણ મિનીમમ ભાડું રૂપિયા 23થી વધારીને 25 કરવાની માંગણી કરી છે. જ્યારે રનિંગ ભાડું પણ 15.33 રૂપિયાથી વધારીને 16.99 રૂપિયા કરવાની માંગ કરી છે. યુનિયનના એક સભ્યએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સીએનજીના ભાવમાં કરવામાં આવેલા ભાવવધારા બાદ રિક્ષાચાલકને દરરોજ 150 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
દરમિયાન રિક્ષાચાલકોની સાથે સાથે જ ટેક્સી ડ્રાઈવર યુનિયન દ્વારા પણ મિનીમમ ભાડું રૂપિયા 28થી વધારીને રૂપિયા 30 કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ ભાડાવધારા અંગે સવિસ્તર ચર્ચા વિચારણા કર્યા બાદ જ કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. ઓટો ટેક્સીચાલકોના યુનિયન દ્વારા નિર્ણય લેવાયા બાદ જ a નિર્ણયસંદર્ભનો પ્રસ્તાવ પરિવહન વિભાગને મોકલવામાં આવશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2022માં એટલે કે બે વર્ષ પૂર્વે રિક્ષા ટેક્સીના મિનીમમ ફેરમાં વધારો કરવામાં આવ્યો હતો. એ સમયે રિક્ષાના ભાડામાં રૂપિયા 2નો અને ટેકસીમાં ભાડામાં રૂપિયા 3નો વધારો કરવામાં આવ્યો હતો.
