‘દબંગ’ ગર્લ સોનાક્ષીના ઘરે આ તારીખે વાગશે શહેનાઈ, કોણ છે એ અભિનેતા?
મુંબઈઃ બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા આ મહિના દરમિયાન તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે. સોનાક્ષી સિંહા તેની ડેટિંગ અને લગ્નની ખબરને લઈ ચર્ચામાં છે. સોનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23મી જૂનના મુંબઈમાં લગ્ન કરવાની અટકળને લઈ સિંહા પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો છે.
બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિંહા તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે અને બંને અનેક જગ્યાએ સાથે પણ જોવા મળ્યા છે, જેમાં ચાહે કોઈ ફિલ્મનો સેટ હોય કે પછી કોઈ ઈવેન્ટ જ કેમ નહીં. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે સોનાક્ષી સિંહા તેના બોયફ્રેન્ડ સાથે 23મી જૂને મુંબઈમાં લગ્ન કરશે. આ મુદ્દે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આમ છતાં આ અગાઉ હીરામંડી ફિલ્મના પ્રમોશન વખતે કપિલ શર્માના શો વખતે સોનાક્ષીએ જાહેર કર્યુ હતું કે તે લગ્ન કરવા માટે ઉત્સુક છે.
મીડિયા રિપોર્ટસના અહેવાલ અનુસાર શત્રુઘ્ન સિંહાની લાડલી દીકરી સોનાક્ષી હવે 13-14 દિવસ પછી મુંબઈમાં લગ્ન કરી રહી છે. બંનેના સંબંધો અંગે સત્તાવાર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર સોનાક્ષીના બર્થ-ડે વખતે ઝહીરે તેના પ્રેમનો એકરાર કર્યો હતો.
સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ લગ્નના આમંત્રણ મોકલવાનું શરુ કરવામાં આવ્યુ છે. વેડિંગ ફંક્શનના ગેસ્ટમાં ખાસ તો નજીકના લોકોને આમંત્રણ કરી શકાય તેમ જ હીરામંડીની પૂરી સ્ટારકાસ્ટને લગ્ન માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સોનાક્ષી સિંહાનું વેડિંગ કાર્ડ કોઈ મેગેઝિનના કવર જેવું છે. કવર પર લખવામાં આવ્યું છે કે અફવાઓ સાચી છે. મહેમાનો માટે ડ્રેસકોડ પણ રાખવામાં આવ્યો છે. વેડિંગ ડેસ્ટિનેશનની અંગે કોઈ નક્કર માહિતી બહાર આવી નથી. આગામી દિવસોમાં સોનાક્ષીના લગ્નની વધારે માહિતી ચોક્કસ બહાર આવશે.
સોનાક્ષીની ફિલ્મી કેરિયર અંગે વાત કરીએ તો દબંગથી લઈને અકિરા અને હીરામંડી વગેરે ફિલ્મોમાં આગવી ભૂમિકાને લઈને ચર્ચામાં રહી છે. આગામી દિવસોમાં સોનાક્ષી કાકુડા અને નિકિતા રોય વગેરે ફિલ્મોમાં જોવા મળશે. તો 36 વર્ષના ઝહીર ઈકબાલે પણ ફિલ્મોમાં કારકિર્દી ઘડી હતી, પરંતુ કોઈ ફિલ્મો સફળ રહી નથી. ઝહીરના પિતા ઈકબાલ રત્નાસી પણ સલમાન ખાનના નજીકના ફ્રેન્ડ છે. ઝહીરને લોન્ચ કરવામાં સલમાન ખાને મદદ કરી હતી, જ્યારે ઝહીર ઈકબાલ સલમાન ખાનના ભાઈ સોહેલની એક ફિલ્મમાં આસિસ્ટંટ ડિરેક્ટર પણ હતો. ઝહીર ઈકબાલે 2019માં નોટબુક ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ત્રણ વર્ષ પછી સોનાક્ષી અને હુમા કુરેશીની ડબલ એક્સએલમાં જોવા મળ્યો હતો.
