લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 58 સીટ પર 57.70 ટકા મતદાન
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશાની તુલનામાં પશ્ચિમ બંગાળમાં વધુ વોટિંગ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કાના મતદાન પછી છઠ્ઠા તબક્કાનું મતદાન સંપન્ન થયું. છઠ્ઠા તબક્કામાં 58 બેઠક પરના મતદાનમાં દરેક વખતના માફક અન્ય રાજ્યની તુલનામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હીની તુલનામાં પશ્ચિમ બંગાળમાં વધારે મતદાન થયું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર છઠ્ઠા તબક્કામાં 58 બેઠક પર 889 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 797 પુરુષ અને 92 મહિલા ઉમેદવાર હતી.
છઠ્ઠા તબક્કામાં 58 બેઠક પર 57.70 ટકા મતદાન થયું છે, જે સાંજ સુધીમાં ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે.
પશ્ચિમ બંગાળમાં આજે છઠ્ઠા તબક્કાના મતદાનમાં અમુક જગ્યાએ હિંસાના બનાવો વચ્ચે વોટિંગ થયું. આજે છઠ્ઠા તબક્કાના મતદાન વખતે પણ ફરી હિંસાના બનાવો નોંધાયો હતા. ઝાડગ્રામમાં ભાજપના ઉમેદવાર પ્રણત ટુડુ પર હુમલો થયો હતો. આ હુમલામાં પ્રણત ટુડુ અને એનો સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. વીડિયોમાં પથ્થરમારા વચ્ચે ભાજપના ઉમેદવાર ભાગતા જોવા મળ્યા હતા.
છઠ્ઠા તબક્કામાં દિલ્હીની સાત સીટ સહિત છ રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠક પર મતદાન હતું. ઉત્તર પ્રદેશની 14 સીટ, હરિયાણાની 10, બિહાર-પશ્ચિમ બંગાળની આઠ-આઠ, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની એક-એક સીટનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 57.70 ટકા મતદાન થયું છે, જ્યારે 2019ની તુલનામાં મતદાનમાં ઘટાડો થયો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 64.22 ટકા મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, તૃણમુલ કોંગ્રેસના લલિતેશ પતિ ત્રિપાઠી અને ભોજપુરી ફિલ્મના અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ સહિત 162 ઉમેદવારના નસીબ આજે ઈવીએમમાં કેદ થયા.સાંજે પાંચ વાગ્યા સુધીમાં એકંદરે 57.70 ટકા મતદાન થયું.
રાજ્યવાર મતદાનની વાત કરીએ તો સાંજે પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં 52.24 ટકા, હરિયાણામાં 55.93 ટકા, જમ્મુ કાશ્મીરમાં 51.35 ટકા, ઝારખંડમાં 61.41 ટકા, દિલ્હીમાં 53.73 ટકા, ઓડિશામાં 59.60 ટકા તથા પશ્ચિમ બંગાળમાં 77.99 ટકા મતદાન થયું છે. 2019માં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં થયું હતું.
