PM સૂર્ય ઘર યોજના: સરકારે સોલાર રૂફટોપ માટે જાહેર કરી એડિશનલ સ્ટેટ સબસિડી, ગ્રાહકોએ આપવા પડશે આટલા રુપિયા
૧ અને ૨ કિલોવોટ સોલાર સિસ્ટમ માટે રાજ્ય સરકાર આપશે વિશેષ સહાય, ૩ લાખથી વધુ પરિવારોને થશે સીધો રૂ. ૧,૦૦૦ કરોડનો ફાયદો
ગુજરાત સરકારે ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ ૨ KW સુધીની સોલાર સિસ્ટમ પર વધારાની સબસિડી જાહેર કરી છે. સામાન્ય વર્ગના ગ્રાહકોએ માત્ર ૧૦% અને SC/ST વર્ગના ગ્રાહકોએ માત્ર ૫% જ ખર્ચ ભોગવવો પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને આર્થિક રાહત આપતો તથા ઊર્જા નિર્ભર બનાવતો એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના મહત્તમ નાગરિકો સોલાર રૂફટોપનો લાભ મેળવી શકે તે માટે ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ ૨ કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવતા પરિવારો માટે વધારાની સ્ટેટ સબસિડી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.
આ નવા નિર્ણય અનુસાર, ૧ કિલોવોટ અને ૨ કિલોવોટની સોલાર સિસ્ટમના નક્કી કરાયેલા બેન્ચમાર્ક કોસ્ટ સામે સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર ૧૦% ફાળો ભોગવવાનો રહેશે. જ્યારે, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર ૫% ફાળો જ આપવાનો રહેશે. કેન્દ્ર સરકારની મળવાપાત્ર સહાય તથા લાભાર્થીના ફાળા બાદનો બાકીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના ૩ લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે અને રાજ્ય સરકાર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ ભોગવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ૧ કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ. ૫૪,૦૦૦ ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ. ૩૨,૪૦૦ સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ. ૨૧,૬૦૦ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે રાજ્ય સરકારની નવી વધારાની સબસિડીના કારણે સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. ૫,૪૦૦ અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. ૨,૭૦૦ જ ચૂકવવાના રહેશે.
તેવી જ રીતે, ૨ કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર પેનલ લગાવવામાં કુલ રૂ. ૧,૦૭,૨૦૦ ખર્ચ થાય છે. જેમાં અગાઉ રૂ. ૬૨,૮૦૦ સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી, જ્યારે બાકીની રૂ. ૪૪,૪૦૦ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડતી હતી. હવે આ નિર્ણયથી ૨ કિલોવોટ લગાવતા સામાન્ય નાગરિકોએ માત્ર રૂ. ૧૦,૭૨૦ અને SC/ST વર્ગના નાગરિકોએ માત્ર રૂ. ૫,૩૬૦ જ ચૂકવવાના રહેશે. કેન્દ્ર સરકારની સહાય બાદ બાકીની તમામ રકમ રાજ્ય સરકાર સબસિડી રૂપે ભોગવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧૪ લાખથી વધુ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તે પૈકી માત્ર ‘પીએમ સૂર્ય ઘર’ યોજના હેઠળ જ ૮.૫ લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજનાના પરિણામે નાગરિકોનું વીજ બિલ શૂન્ય થઈ રહ્યું છે અને વધારાની વીજળી ઉત્પન્ન કરી પરિવારો આવક પણ મેળવી રહ્યા છે.
