જીવનરક્ષક ઉડાન: ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ સેવા 100 મિશન પૂર્ણ કરવાની નજીક
વર્ષ 2022થી શરૂ થયેલી ચોવીસ કલાકની આ સેવે 98 સફળ મિશન દ્વારા દર્દીઓને ઝડપી તબીબી સારવાર અને અંગદાન માટે નિર્ણાયક પરિવહન પૂરું પાડ્યું

ગાંધીનગર: રાજ્યમાં ઈમરજન્સી હેલ્થકેર ક્ષેત્રને મજબૂત બળ મળ્યું છે. દર્દીઓને ઝડપી વિશિષ્ટ તબીબી સારવાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારની સમર્પિત ચોવીસ કલાક કાર્યરત એર એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ 2022માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 98 ફ્લાઇટ મિશન પૂર્ણ કર્યા છે અને હવે તે 100 મિશનનો આંકડો ટુંક સમયમાં પાર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ દર્દીઓને ઝડપી કટોકટીની તબીબી પરિવહન સેવા પૂરી પાડવા માટે આ એર એમ્બ્યુલન્સ પહેલ હાથ ધરવામાં આવી હતી.
કુલ 98 મિશનમાંથી 48 મિશન દર્દીઓને લાવવા-લઈ જવા માટે કરવામાં આવ્યા હતા, જ્યારે 50 મિશન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે માનવ અંગોના પરિવહન માટે કરવામાં આવ્યા હતા. આ સેવાની પ્રથમ ફ્લાઇટ 5 મે, 2022ના રોજ ઉડી હતી, જ્યારે એક દર્દીને રાજકોટ એરપોર્ટથી ચેન્નાઈ લઇ જવામાં આવ્યો હતો. આ પ્રથમ મિશને સરકાર દ્વારા સંચાલિત એર એમ્બ્યુલન્સ ક્ષમતાની શરૂઆત કરી હતી, જે દર્દીઓને તેમની આસપાસની તબીબી સુવિધાઓ ઉપરાંત દૂરની હોસ્પિટલો સુધી પહોંચવામાં મદદ કરે છે.
આ સેવાએ પડકારજનક વાતાવરણ અને પરિસ્થિતિઓમાં પણ પોતાના મિશન સફળતાપૂર્વક પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. 2 જૂન 2024ના શ્રીનગરથી જયપુર સુધી એક દર્દીને લઇ જવામાં આવ્યું હતું. શ્રીનગર સાથે સંકળાયેલા ઓપરેશન્સ માટે ત્યાંના ભૌગોલિક ભૂતલ (ટેરેન), હવામાન અને ઓપરેટિંગ પરિસ્થિતિઓને કારણે સાવચેત આયોજનની જરૂર પડે છે. આવા મિશન લાંબા અંતરના તબીબી પરિવહનની જરૂરિયાત વખતે વિગતવાર ફ્લાઇટ પ્લાનિંગ, સંકલન અને એવિએશન સુરક્ષા નિયમોના પાલનનું મહત્વ દર્શાવે છે.
રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાત સરકારનાં નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા સંચાલિત આ એર એમ્બ્યુલન્સ સેવા રાહત દરે એર મેડિકલ ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે છે અને તે સમગ્ર ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ છે. આ પહેલ રાજ્યના કટોકટીના તબીબી પ્રતિસાદ માળખાના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ઉભરી આવી છે.”
કોઓર્ડિનેટેડ ઈમરજન્સી રિસપોન્સ
એર એમ્બ્યુલન્સ સેવામાં તબીબી અને એવિએશન ઓપરેશન્સની સંકલિત શૃંખલા સામેલ છે. એર એમ્બ્યુલન્સ સપોર્ટની જરૂર હોય તેવા કેસોની ઓળખ કરવામાં અને પ્રક્રિયા શરૂ કરવામાં 108 ઈમરજન્સી સર્વિસ મહત્વની ભૂમિકા ભજવે છે. એકવાર જરૂરિયાત ઓળખાઈ જાય પછી, તે GUJSAIL ફ્લાઇટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરવામાં આવે છે, જે ફ્લાઇટ માટે ઓપરેશનલ કંટ્રોલ પોઈન્ટ તરીકે કામ કરે છે.
મોટા એરપોર્ટ સિવાય પણ ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી
સરકારની એર એમ્બ્યુલન્સ સેવાની એક મહત્વપૂર્ણ વિશેષતા તેની ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી છે. આ એરક્રાફ્ટ લાગુ પડતી ઓપરેશનલ, હવામાન અને સલામતી જરૂરિયાતોને આધીન, અનકંટ્રોલ્ડ એરસ્ટ્રિપ્સ સહિત એરપોર્ટ અને યોગ્ય એરસ્ટ્રિપ્સની વિશાળ શ્રેણીમાંથી કામગીરી કરી શકે છે.
જ્યારે વિશિષ્ટ સારવારની જરૂર હોય તેવો દર્દી મોટા મેટ્રોપોલિટન એરપોર્ટથી દૂર હોય ત્યારે આ ક્ષમતા ખાસ કરીને મૂલ્યવાન સાબિત થઈ શકે છે. નાની એરસ્ટ્રિપ્સ પરથી કામ કરવાની ક્ષમતા હવાઈ તબીબી પરિવહનને દર્દીના સ્થાનની વધુ નજીક લાવવામાં અને રોડ માર્ગે મુસાફરી કરવાનું અંતર ઘટાડવામાં મદદ કરે છે.
48 દર્દીના ટ્રાન્સપોરેશન મિશન પાર પાડ્યાં
વર્ષ 2022થી, આ સેવાએ 48 પેશન્ટ ટ્રાન્સપોર્ટેશન મિશન હાથ ધર્યા છે, જેનાથી તાત્કાલિક અથવા વિશિષ્ટ તબીબી સારવારની જરૂર હોય તેવા ગંભીર દર્દીઓને રોડ માર્ગે લાગતા સમયની સરખામણીમાં ખૂબ જ ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાયા છે.
આ સેવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કેર, એડવાન્સ્ડ સર્જિકલ ઈન્ટરવેન્શન, ક્રિટિકલ કેર અથવા અન્ય પ્રકારની સ્પેશિયલાઈઝ્ડ મેડિકલ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને સપોર્ટ કરે છે. યોગ્ય આરોગ્ય સંભાળ સુવિધા સુધી પહોંચવા માટે જરૂરી સમય ઘટાડીને, એર એમ્બ્યુલન્સ ઇમરજન્સી મેડિકલ પરિસ્થિતિઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
50 ઓર્ગન ટ્રાન્સપોરેશન મિશન
આ સેવાનું બીજું એક મહત્વનું પાસું માનવ અંગોનું પરિવહન છે. વર્ષ 2022 થી પૂર્ણ થયેલા 98 મિશનમાંથી 50 મિશન ઓર્ગન ટ્રાન્સપોર્ટેશન માટે સમર્પિત હતા.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એ ખૂબ જ સમય-સંવેદનશીલ પ્રક્રિયા છે, કારણ કે ટ્રાન્સપ્લાન્ટ ટીમો પાસે મર્યાદિત સમય વિન્ડો હોય છે જેમાં ઉપલબ્ધ અંગને ટ્રાન્સપોર્ટ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. સમર્પિત એવિએશન સપોર્ટ પૂરો પાડીને, ગુજરાત સરકાર હોસ્પિટલો અને ટ્રાન્સપ્લાન્ટ ટીમોને સ્થળો વચ્ચે મહત્વપૂર્ણ અંગોને ઝડપથી ટ્રાન્સપોર્ટ કરવામાં મદદ કરે છે.
આ સેવા રાહત દરે ઉપલબ્ધ છે
ગુજરાત સરકાર રાહત દરે (સબસિડી સાથે) એર એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડે છે. ગુજરાતી દર્દી માટે સબસિડીવાળો ચાર્જ ₹ 50,000 છે, જ્યારે બિન-ગુજરાતી દર્દી માટેનો ચાર્જ ₹65,000 છે. હોસ્પિટલ દ્વારા સેવા બુક કરવામાં આવે તેવા કિસ્સામાં, લાગુ પડતો ચાર્જ ₹ 55,000 છે. આ સેવા સમગ્ર ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ છે, જે તેને એક એવી જાહેર સેવા સમાન પહેલ બનાવે છે જે રાજ્યની ભૌગોલિક સીમાઓથી પણ આગળ વિસ્તરે છે.
