October 11, 2026
ગુજરાતટોપ ન્યુઝ

એકલવાયા જીવનમાં આશાનું કિરણ: સદભાવના વૃદ્ધાશ્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે ઓડિટોરિયમનું કર્યું ઉદ્ઘાટન

Spread the love

ગુજરાતમાં વધી રહેલા વૃદ્ધાશ્રમો વચ્ચે મોટા રામપર ખાતે ૧,૦૦૦ લોકોની ક્ષમતાવાળું ઓડિટોરિયમ સમાજ માટે નિઃશુલ્ક ખુલ્લું મુકાયું

રાજકોટ: ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં સંયુક્ત પરિવારની વ્યવસ્થા બદલાઈ રહી છે અને તેની સૌથી વધુ અસર વૃદ્ધોની જીવનશૈલીમાં જોવા મળી રહી છે. દીકરા-દીકરીના લગ્ન પછી માતાપિતા એકલા થઈ જાય કે વિદેશમાં સંતાનો સ્થાયી થયા પછી માતાપિતાનું જીવન એકલવાયું બને છે તો ક્યાંક વડીલોને તરછોડવાની પરંપરા બની રહી છે. નિરાધાર વૃદ્ધો માટે ઘર-પરિવારમાં જગ્યા નહીં રહેતા હવે રાજ્યમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, જેમાં રાજ્યમાં વધુ એક વૃદ્ધાશ્રમના ઓડિટોરિયમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીએ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ વડીલોને અપાતી હૂંફસભર સુવિધાઓ નિહાળી હતી. મુલાકાત બાદ મુખ્યમંત્રીના હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો. વડીલોના ચહેરા પર છવાયેલી પ્રસન્નતા અને મુખ્યમંત્રીના માયાળુ સ્વભાવે ઉપસ્થિતોના હૃદય સ્પર્શી લીધા હતા. આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક મંડળે સંસ્થાના આગામી આયોજન અંગે મુખ્યમંત્રીને વિગતો પણ આપી હતી.

અત્રે નોંધનીય છે કે, રાજકોટ-જામનગર હાઇવે, પડધરી પાસે, મોટા રામપર ગામે સદભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા રૂ.૧૨ કરોડના ખર્ચે ૧,૦૦૦ વ્યક્તિઓની બેઠક ક્ષમતાવાળું ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે, જે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો અર્થે સૌ કોઈ માટે કાયમી ધોરણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ અવસરે શ્રમ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત વરિષ્ઠ અધિકારીઓ, સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીશ્રીઓ- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. 2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા પ્રમાણે ગુજરાતમાં આશરે પ્રાઈવેટ અને સંસ્થાકીય 376 વૃદ્ધાશ્રમ, સિનિયર લિવિંગ અને સંબંધિત કેર સેન્ટર નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!