મજૂરી છોડી 1 કરોડની કરી કમાણી: વ્યારાના ‘વનશ્રી મોડેલ’થી બદલાયું આદિવાસી મહિલાઓનું ભાગ્ય
વન વિભાગનું ‘વનશ્રી મોડેલ‘ બન્યું મહિલા આત્મનિર્ભરતાનું પ્રતીક; 50થી વધુ આદિવાસી મહિલાઓ નાગલીના રોટલા અને પરંપરાગત વાનગીઓ પીરસી બની સફળ ઉદ્યોગસાહસિક
ગુજરાતના વ્યારા વન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલું ‘વનશ્રી મોડેલ’ આજે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મહિલા સશક્તિકરણ, સ્થાનિક સંસ્કૃતિના જતન અને ઇકો-ટૂરિઝમ આધારિત આજીવિકાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને ઊભરી આવ્યું છે. વન પર્યટનને સ્થાનિક સમુદાયોની આજીવિકા સાથે સાંકળીને વિકસાવવામાં આવેલા આ આનોખા મોડેલ હેઠળ હાલમાં ચાર ‘વનશ્રી’ રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ ચારેય સેન્ટરોનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર రూ. 1 કરોડથી વધુ નોંધાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય વન મંત્રી પ્રવિણ માળીના નેતૃત્વમાં વન, માનવ અને સમૃદ્ધિને જોડતા આ મોડેલે આદિવાસી સમુદાયના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. જે મહિલાઓ એક સમયે રોજના નજીવા વેતન માટે મજૂરી કરવા મજબૂર હતી, તેઓ આજે સ્વસહાય જૂથો (સખી મંડળ) દ્વારા સફળતાપૂર્વક રેસ્ટોરન્ટ ચલાવીને આત્મનિર્ભર ઉદ્યોગસાહસિક બની છે.
સ્થાનિક સ્વાદ અને સંસ્કૃતિનું સંવર્ધન
સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈય્યર (IFS)ના જણાવ્યા મુજબ, ચાર વનશ્રી રેસ્ટોરન્ટ્સનું સંચાલન સંપૂર્ણપણે સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો દ્વારા થાય છે. અહીં આવતા પ્રવાસીઓને નાગલીના રોટલા, પરંપરાગત કઠોળ અને નાગલીના લાડુ જેવી પૌષ્ટિક અને શુદ્ધ આદિવાસી વાનગીઓ પીરસવામાં આવે છે. આ મોડેલથી આદિવાસી સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થવાની સાથે મહિલાઓને પોતાના ઘર આંગણે સ્વરોજગાર મળી રહ્યો છે.
વ્યારાના નાયબ વનસંરક્ષક સચિન ગુપ્તા (IFS)એ ઉમેર્યું કે, વનશ્રી મોડેલે મહિલાઓને માત્ર આર્થિક સુરક્ષા જ નથી આપી, પરંતુ તેમને બિઝનેસ લીડરશિપ, હિસાબ-કિતાબ અને વ્યવસાય સંચાલનની તાલીમ પણ આપી છે. જેનાથી તેમનામાં આત્મવિશ્વાસ, સ્થિરતા અને નિર્ણય લેવાની ક્ષમતા વધી છે.
સામાજિક પરિવર્તન
આ પહેલથી 50થી વધુ આદિવાસી મહિલાઓ સીધી રીતે રોજગાર મેળવી રહી છે, જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 100થી વધુ પરિવારોને આજીવિકાનો ટેકો મળ્યો છે.
નિશ્ચિત માસિક આવકના કારણે આદિવાસી પરિવારો હવે પોતાના બાળકોને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. ઉપરાંત, નાણાકીય સ્વતંત્રતા મળવાથી તબીબી કટોકટી વખતે અન્ય લોકો પર નિર્ભર રહેવું પડતું નથી. રેસ્ટોરન્ટની સાથે મહિલાઓ સ્થાનિક ઓર્ગેનિક ખેત-પેદાશોનું વેચાણ કરીને વધારાની આવક પણ ઊભી કરી રહી છે. ટૂંકમાં, વનશ્રી મોડેલ એ વાતની સાબિતી છે કે જો ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને બજારની તકો પૂરી પાડવામાં આવે તો તેઓ સ્થાનિક અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં જોડાને સમગ્ર સમાજના વિકાસનું એન્જિન બની શકે છે.
સફળતાના 4 આધારસ્તંભ
. વ્યારા વનશ્રી (કરંજવેલ): ‘હેતવી સખી મંડળ’ દ્વારા સંચાલિત આ સેન્ટર શહેરી ફૂડ એન્ટરપ્રાઇઝ શૈલીમાં ચાલે છે. દરરોજ સેંકડો મુલાકાતીઓને સેવા આપતા આ કેન્દ્રનું વાર્ષિક ટર્નઓવર રૂ. 53 લાખ છે.
. વનશ્રી, સોનગઢ (ચીકલદા): સુનિતાબેન ગામિતની આગેવાનીમાં ‘આદર્શ મહિલા મંડળ’ની 15 મહિલાઓ દ્વારા સંચાલિત આ સાહસનું વાર્ષિક ટર્નઓવર રૂ. 30 લાખ છે.
. વનશ્રી, પદમડુંગરી (ચુનાવાડી): ‘સાઈ સખી મંડળ’ સંચાલિત આ કેન્દ્ર ઇકો-ટૂરિસ્ટ્સ માટે પ્રકૃતિ વચ્ચે ભોજનનો આનંદ માણવાનું પ્રિય સ્થળ છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 10 લાખ છે.
. વનશ્રી, આંબાપાણી: ‘પ્રગતિ સખી મંડળ’ દ્વારા દૂરના જંગલ વિસ્તારમાં આદિવાસી ખેત-પેદાશોનું વેચાણ અને ભોજન પૂરું પાડી રૂ. 8 લાખનું વાર્ષિક ટર્નઓવર મેળવવામાં આવે છે.
