October 26, 2026
કિચન ટિપ્સ

Diwali Cleaning Hacks: સાફસફાઈનું ટેન્શન ભૂલી જાઓ! ઓછી મહેનતમાં ઘર ચમકાવવા અપનાવો આ સરળ ઘરેલુ ટ્રિક્સ

Spread the love

દિવાળીના તહેવારની તૈયારીઓમાં સૌથી મોટો અને કંટાળાજનક પડકાર ઘરની ઊંડાણપૂર્વકની સાફસફાઈનો હોય છે. આ વર્ષે છઠ્ઠી નવેમ્બરથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે અને ઘરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘણીવાર આખો દિવસ સખત મહેનત કરવા છતાં અમુક હઠીલા ડાઘ, ચીકાશ કે ધૂળ સાફ થતાં નથી અને ઘર જોઈએ તેવું ચમકતું નથી. જો તમે આ વીકેન્ડમાં સાફસફાઈ શરૂ કરવાના હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. રસોડાના સાધનોથી લઈને ગેજેટ્સ સુધીની સફાઈ માટે આ ૪ સરળ અને સ્માર્ટ ક્લિનિંગ હેક્સ તમારા પૈસા, સમય અને શ્રમ ત્રણેયની બચત કરશે.

કિચન સિંકની ચીકાશ દૂર કરવા લીંબુ અને વોશિંગ પાવડરની ટ્રિક
તેલ-મસાલાવાળા એંઠા વાસણો ધોવાને કારણે સ્ટેનલેસ સ્ટીલનું કિચન સિંક કાળું, ચીકણું અને ઝાંખું પડી જાય છે. વપરાયેલા લીંબુના છોતરા (છાલ) પર થોડો વોશિંગ પાવડર અથવા ડીશવોશ લિક્વિડ ભભરાવો. આ લીંબુની છાલથી સમગ્ર સિંક પર હળવા હાથે ઘસો અને ૫ મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ ચીકાશને ગણતરીની મિનિટોમાં ઓગાળી દેશે અને સ્ટીલનું સિંક નવા જેવું ચળકવા લાગશે.

માઇક્રોવેવ ઓવનની દુર્ગંધ અને ડાઘ દૂર કરો
ઓવનમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ ગરમ કરવાથી અને રાંધવાથી તેમાં મસાલાની તીખી દુર્ગંધ બેસી જાય છે અને અંદર તેલના છાંટા ચોંટી જાય છે.એક કાચના બાઉલમાં પાણી ભરી તેમાં એક આખા લીંબુનો રસ નીચોવી દો. આ બાઉલને ઓવનમાં મૂકી લગભગ 10 મિનિટ સુધી હાઈ પાવર પર ગરમ કરો. પાણીની વરાળ ઓવનની અંદરની દિવાલો પર જામેલા ડાઘને નરમ કરી દેશે અને લીંબુની સુગંધથી તમામ વાસી વાસ ગાયબ થઈ જશે. ત્યાર બાદ માત્ર એક સુકા કપડાથી અંદરથી લૂછી લો.

લેપટોપ અને કોમ્પ્યુટર કીબોર્ડની સફાઈ
વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ વપરાશ દરમિયાન કીબોર્ડની કીઝ (Keys)ની વચ્ચે અને ખૂણાઓમાં અતિશય ધૂળ અને કચરો જમા થઈ જાય છે, જ્યાં સામાન્ય કપડું પહોંચી શકતું નથી. કાન સાફ કરવા માટે વપરાતા કોટન બડ્સ (Earbuds)ને હળવા આલ્કોહોલ કે સેનિટાઈઝરમાં સહેજ ભીના કરી દરેક કીની આસપાસ અને ખૂણામાં ફેરવો. રૂના પૂમડાથી ઝીણી ધૂળ અને ગંદકી ચોંટીને બહાર આવી જશે અને કીબોર્ડ એકદમ સાફ થઈ જશે.

સોફા અને પલંગ પરથી પેટ્સના હટાવો વાળ
ઘરમાં બિલાડી કે કૂતરા જેવા પાલતુ પ્રાણીઓ હોય તો સોફા, બેડશીટ અને ગાદલાં પર તેમના વાળ ચોંટી જાય છે, જે વેક્યૂમ ક્લીનરથી પણ સરળતાથી નીકળતા નથી. હાથમાં એક જૂનો સુતરાઉ કે નાયલોનનો મોજો (Socks) પહેરી લો. હાથને સહેજ ભીનો કરી સોફા કે ગાદલા પર એક જ દિશામાં ઘસો. ફેબ્રિકના ઘર્ષણથી તમામ વાળ અને રૂંવાટી મોજાં પર સરળતાથી ચોંટી જશે અને ફર્નિચર મિનિટોમાં ચોખ્ખું થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!