એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ગ્લોબલ હબ બની રહ્યું છે ગુજરાત, વાઈબ્રન્ટ સમિટ પર દેશની નજર
વડોદરાના C295 એરક્રાફ્ટ પ્રોજેક્ટથી લઈને અત્યાધુનિક રક્ષા ઉપકરણોના ઉત્પાદન સુધી, ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને મજબૂત MSME ઇકોસિસ્ટમને કારણે રાજ્ય સંરક્ષણ ક્ષેત્રે દેશનું મુખ્ય પાવરહાઉસ બન્યું
ગાંધીનગર: ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત હંમેશા અગ્રણી અને મજબૂત ભાગીદાર રાજય રહ્યું છે. ગુજરાત પોતાની આ ક્ષમતા અને દીર્ઘદ્રષ્ટિવાળા વિઝનને આગળ વધારતા ઝડપથી એરોસ્પેસ અને રક્ષા (A&D) ક્ષેત્રમાં ઉત્પાદન અને નવીનતાના મહત્વના કેન્દ્રના રુપમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ ભારતના આ ઉભરી રહેલા રણનીતિક મહત્વના ક્ષેત્ર પ્રત્યે વૈશ્વિક સમુદાયનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાજ્યનું વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક ભૌગોલિક લાભો અને અત્યાધુનિક એન્જિનિયરિંગ ક્ષમતાઓ ગુજરાતને એક આકર્ષક રોકાણ અનુકુળ કેન્દ્ર બનાવે છે.
વડોદરાથી શરૂ થયેલી નવી ક્રાંતિ
વડોદરા સ્થિત ‘ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ-એરબસ C295 ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL)’ ફેસિલિટી જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ગુજરાતની આ વધતી ઓળખનો મુખ્ય આધાર છે. ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મિલિટરી એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇન તરીકે આ પ્લાન્ટ ઘરેલુ એરોસ્પેસ સપ્લાય ચેઇનને વેગ આપી રહ્યો છે. અહીં માત્ર એરક્રાફ્ટ સ્ટ્રક્ચર્સ અને વિમાનના પાર્ટ્સ જ નહીં, પરંતુ ચોક્કસ એન્જિનિયરિંગ અને રક્ષા ઇલેક્ટ્રોનિક્સમાં પણ વિશ્વસ્તરીય કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત, રાજ્યમાં માનવ રહિત વિમાન (UAVs/ડ્રોન), જાળવણી-રિપેરીંગ અને ઓવરહોલ (MRO) સેવાઓ તેમજ અદ્યતન એન્જિનિયરિંગ પ્રવૃત્તિઓનું પણ વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે.
મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને MSMEનું યોગદાન
આ યોજનાઓની સાથે રાજ્યભરમાં A&D ક્ષેત્રની એક સમૃદ્ધ ઇકોસિસ્ટમ વિકસી રહી છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા આર્ટિલરી ગન, આર્મર્ડ સિસ્ટમ્સ અને વેપન લોન્ચ સિસ્ટમ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરે છે. સાથોસાથ, રાસ્પિયન એન્ટરપ્રાઇઝિસ (સ્મોલ આર્મ્સ) અને એસ્ટ્રિઓનિક્સ (FMJ પ્રોજેક્ટાઇલ્સ) જેવા એકમો શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદનને મજબૂત કરી રહ્યા છે. જૈવેલ એરોસ્પેસ, શ્રીરામ એરોસ્પેસ, યુનિક ફોર્જ અને પુષ્પક એરોસ્પેસ જેવા MSMEs આ મુખ્ય એકમોને પૂરક સાધનો પૂરા પાડીને એક અતૂટ સપ્લાય ચેઇન રચી રહ્યા છે.
રાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદનમાં અભૂતપૂર્વ ઉછાળો
વર્ષ 2014થી ભારતનું સંરક્ષણ ઉત્પાદન લગભગ ચાર ગણું વધ્યું છે. નાણાકીય વર્ષ 2014-15માં ₹ 46,429 કરોડનું સંરક્ષણ ઉત્પાદન વધીને નાણાકીય વર્ષ 2025-26માં વિક્રમી ₹ 1.78 લાખ કરોડ પર પહોંચી ગયું છે. આ જ રીતે, સંરક્ષણ નિકાસ પણ 21 ગણી વધી છે. વર્ષ 2004-14 દરમિયાન ₹ 4,312 કરોડ રહેલી નિકાસ 2014-24માં વધીને ₹ 88,319 કરોડ થઈ છે. દેશ હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં આયાત પર નિર્ભર છે, ત્યારે આત્મનિર્ભરતાના લક્ષ્ય સાથે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવાની અપાર તકો ઊભી થઈ છે. કુશળ એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ઉપલબ્ધતાને કારણે ભારત સંશોધન, ડિઝાઇન અને વિકાસ ક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાત સરકાર આ ગતિનો પૂરેપૂરો ઉપયોગ કરીને મોટી કોર્પોરેટ કંપનીઓ અને MSMEs વચ્ચે ભાગીદારી મજબૂત કરી રહી છે.
