October 21, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝહોમ

ફ્રાન્સથી ઈટલી સુધી કેમ ભડક્યા હિંસક વિરોધ પ્રદર્શનો? યુરોપમાં કેમ સર્જાઈ ‘આરબ સ્પ્રિંગ’ જેવી સ્થિતિ!

Spread the love

મોંઘવારી, આસમાને પહોંચેલા ભાડાં અને બેરોજગારીથી ત્રસ્ત યુરોપના દેશોમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો પાછળના અસલી કારણો

ભારતમાં ચૂંટણી પંચ અને શિક્ષણ ક્ષેત્રે રાજકીય પાર્ટીઓની સાથે યુવાનોમાં આક્રોશને કારણે ભારેલો અગ્નિ હતો. અનેક વિરોધ પ્રદર્શનો વચ્ચે શિક્ષણ પ્રધાનના રાજીનામા પછી હવે ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર નિશાના પર છે. કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ વિરોધ પ્રદર્શનો કર્યા પછી હવે દિવાળી પછી વિધિવત્ રીતે પ્રદર્શનો કરશે કે નવા એજન્ડા જાહેર કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે વિપક્ષ સહિત અન્ય પાર્ટી શું કરે એ સમય કહેશે,

પણ હાલ દુનિયાના દસેક દેશમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઊભી થઈ છે એના કારણ પણ અજાણ્યા નથી. વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન, ઈઝરાયલ અમેરિકા-ઈરાન વચ્ચેના ઘર્ષણ-યુદ્ધ વચ્ચે યુરોપના દેશોમાં શિક્ષણ સહિત મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, જેને લઈ સ્થાનિક સરકારો પણ સંકટમાં આવી ગઈ છે એવું શું થયું છે વિગતે જાણીએ.

‘આરબ સ્પ્રિંગ’ જેવી સ્થિતિનું નિર્માણ
યુરોપના અનેક વિકસિત દેશોની સરકાર ગંભીર સંકટનો સામનો કરી રહી છે. યુરોપમાં ફ્રાન્સ, ઈટલી જેવા દિગ્ગજ દેશોથી લઈ આલ્બેનિયા સુધી યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રોજેરોજ કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો અને આગચંપીને કરીને સરકારી વસાહતોને નુકસાન થયું છે. આ અગાઉ દોઢ દાયકા પહેલા ‘આરબ સ્પ્રિંગ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને યાદ અપાવી છે. આસમાને પહોંચેલી મોંઘવારી, બેકારી અને લાઈફસ્ટાઈલ પર પણ ગંભીર અસર પડી છે, જેથી ગુસ્સામાં લોકો રસ્તા પર આવી ગયા છે જેને લઈ સરકારનો પણ સખત વિરોધ કરે છે.

ફ્રાન્સ, ઈટલી અને આલ્બેનિયામાં હિંસક તોફાનો
વર્તમાન તબક્કે યુરોપના નવ દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં ફ્રાન્સ, ઈટલી, બેલ્જિયમ, સ્પેન, પોર્ટુગલ, આલ્બેનિયા, જર્મની, ઓસ્ટ્રિયા અને ગ્રીસ જેવા દેશનો સમાવેશ થાય છે. આ બધા દેશમાં અલગ અલગ પ્રકારના પ્રદર્શનો ચાલી રહ્યા છે, પરંતુ ફ્રાન્સ, ઈટલી અને આલ્બેનિયામાં સૌથી વધુ વિસ્ફોટક સ્થિતિ છે, જ્યાં સ્થાનિકોની પોલીસ તંત્ર વચ્ચે જપાજપી થવાથી હિંસક અથડામણને કારણે મોટું નુકસાન થયું છે, જેમાં સરકારોને કરોડો યુરોનું નુકસાન થયું છે.

મોંઘવારી અને ભાડાંના ઘરનો ભાવ આસમાને પહોંચ્યો
યુરોપના મોટા ભાગના દેશમાં વિરોધ પ્રદર્શન માટે સૌથી પહેલા તો મોંઘવારીમાં થયેલો વધારો જવાબદાર છે. યુરોપના મોટા ભાગના દેશમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના, ઊર્જા અને ઇંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે જેને લઈ નાગરિકોને જીવન ગુજારવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. એના સિવાય હાઉસિંગ ક્રાઈસીસે શહેરી રહેવાસીઓની સ્થિતિ કપરા બનાવી છે. ઘરોના ભાડાંમાં પણ વધારો થયો છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત વધુ મુશ્કેલ બનતા લોકોમાં અસંતોષ વધ્યો છે.

ફ્રાન્સ જેવા વિકસિત દેશમાં પણ આંદોલન વધુ હિંસક બની રહ્યા છે. પહેલા નાના પાયે હતા, પરંતુ વધુ વકરવાને કારણે સરકારી પ્રોપર્ટીને વધુ નુકસાન થયું છે. આગજની અને હિંસક અથડામણ વચ્ચે સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલોની બદતર હાલત વચ્ચે યોગ્ય શિક્ષકો પણ મળતા નથી. મોટી સંખ્યામાં શિક્ષકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. ફ્રાન્સમાં એટલી હાલત ખરાબ હતી કે સાડા પાંચ લાખથી વધુ લોકો પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા, જ્યારે હજારો દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. ઈટલીના પાટનગર મિલાનમાં પણ પ્રદર્શનકારીઓએ ઉત્પાત મચાવ્યો હતો. યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, વધતા ઇંધણના ભાવ, હાઉસિંગ ક્રાઈસીસ અને જાહેર સેવાઓ મુદ્દે સખત વિરોધ વધ્યો છે. આલ્બેનિયાની રાજધાનીમાં આઠમા દિવસે વિરોધ પ્રદર્શનો ચાલુ છે, જ્યારે ઈટલીમાં તો હિંસક પ્રદર્શન, તોડફોડ અને લૂંટફાટ વિરોધમાં સખત કાયદાને મંજૂરી આપી છે. ફ્રાન્સમાં અઠવાડિયા પછી હિંસાને કારણે કર્ફયૂ વધારી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!