July 9, 2026
ગુજરાત

જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા માટે ‘ગજરક્ષક’ ટ્રેકિંગ સિસ્ટમ અને ફેસ રેકગ્નિશન સોફ્ટવેર સાથે પોલીસ તંત્ર સજ્જ

Spread the love

રથયાત્રા પૂર્વેની તમામ સુરક્ષા વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ વિભાગોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદઃ આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ રથયાત્રા પૂર્વેની તમામ સુરક્ષા વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ વિભાગોની પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રથયાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા તેમણે આહવાન કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા તેમજ ઈમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપ્યા હતા.

બેઠકમાં રથયાત્રા બંદોબસ્તના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં અધિકારીઓ દ્વારા રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સની મુલાકાત, સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ અને અસામાજિક તત્વો સામે કડક અટકાયતી પગલાં લેવા અંગેની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. રથયાત્રા સંપૂર્ણ આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો નુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે. જેમાં રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર, રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઈવ લોકેશન મોનિટરિંગ માટે ‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ’ કાર્યરત કરવામાં આવશે.
આ ઉપરાંત, યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરિફિકેશન માટે ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે તેમ જ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે ‘PINAC’ સોફ્ટવેર સંચાલિત એઆઈ (AI) ફેસ રેકગ્નિશન સિસ્ટમ, આકાશી સુરક્ષા માટે એન્ટી-ડ્રોન ગન તથા જામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી (CCTV) કેમેરાના નેટવર્ક દ્વારા લાઈવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્ય પોલીસ વડા જી.એસ. માલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા સુરક્ષા માટેના વ્યાપક એક્શન પ્લાનની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!