વૈભવ સૂર્યવંશી હવે રિસર્ચનો વિષય, જાણો કેમ?
રાજસ્થાન રોયલ્સના સૌથી નવોદિત યુવા અને માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ચર્ચા જેટલી ચાલી રહી છે એટલે તો ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સની ચાલતી નથી. પંદર વર્ષના સગીર વૈભવ સૂર્યવંશી માટે દેશની ટોચની આઈઆઈએમએ મોટો નિર્ણય લીધો છે.
પોતાની તોફાની બેટિંગથી દુનિયાના પ્રીમિયમ બોલરોની ઊંઘ ઉડાવી દેનાર ‘બેબી બોસ’ વૈભવ સૂર્યવંશી હવે દેશ-દુનિયાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા જોવા મળશે. ભારતીય પ્રબંધન સંસ્થાન (IIM) ઈન્દોરે માત્ર 15 વર્ષના આ ઊભરતા ક્રિકેટરને પોતાની કેસ સ્ટડીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
‘વૈભવ મોડલ’ પર આધારિત આ દેશની પહેલી એવી મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટડી હશે, જેમાં રમતગમત, મનોવિજ્ઞાન અને પ્રબંધન (મેનેજમેન્ટ) ના ટોચના નિષ્ણાતો ભેગા મળીને આટલી નાની ઉંમરે મેળવેલી આ અસાધારણ સફળતાની સીક્રેટ ફોર્મ્યુલા શોધવાનો પ્રયાસ કરશે.
જોકે, આ સ્ટડીનો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે કોઈ ખેલાડી આટલી નાની ઉંમરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને દબાણ વચ્ચે પોતાની જાતને કેવી રીતે મેનેજ કરે છે. આ કેસ સ્ટડીની પૃષ્ઠભૂમિ વૈભવની અસાધારણ રમત ક્ષમતા સાથે જોડાયેલી છે.
રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એક જ સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર ફટકારીને મહાન ક્રિકેટર ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ (59 સિક્સર) ધ્વસ્ત કરી દીધો છે, ત્યારથી આખી દુનિયા તેમની આ આશ્ચર્યજનક બેટિંગની પ્રશંસક બની ગઈ છે.
મીડિયાના અહેવાલ મુજબ, આઈઆઈએમ ઈન્દોરના ડાયરેક્ટર ડૉ. હિમાંશુ રાયે જણાવ્યું કે આ સ્ટડી માત્ર વૈભવની રમતગમતની સિદ્ધિઓનું જ વિશ્લેષણ નહીં કરે, પરંતુ તેના સામાજિક, મનોવૈજ્ઞાનિક, પારિવારિક અને સંસ્થાકીય પરિબળોને પણ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરશે, જે નાની ઉંમરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી પ્રતિભાઓને ઘડવામાં મદદરૂપ સાબિત થાય છે.
આઈઆઈએમ સંસ્થાનું માનવું છે કે વૈભવની ક્રિકેટ સફર પાછળ વ્યક્તિગત ક્ષમતાની સાથે-સાથે સખત મહેનત, પરિવારનો ત્યાગ, સમર્પણ અને મેન્ટર્સનું યોગદાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે.
