June 1, 2026
રિલેશનશિપ

દીકરાના ચહેરા પર સ્મિત લાવવા માટે માતાની એક અપીલ અને પછી થયું કંઈક એવું કે…

Spread the love

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં માતા પોતાના સંતાનની ખુશી માટે શું-શું કરી શકે છે એની ઝલક જોવા મળે છે. અમેરિકામાં બનેલી આવી જ એક ઘટનાએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. એક માતાએ પોતાના દીકરાની નાની એવી ઈચ્છા પૂરી કરવા સોશિયલ મીડિયા પર મદદ માંગી હતી, પરંતુ પછી જે બન્યું એ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ચાલો તમને જણાવીએ શું છે આખો કિસ્સો…

વાત જાણે એમ છે કે અમેરિકામાં રહેતા એક નાના બાળકને લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર્સનો ખૂબ શોખ હતો. તેના જન્મદિવસે તેની માત્ર એટલી જ ઈચ્છા હતી કે તેને નજીકથી સુંદર સ્પોર્ટ્સ કાર્સ જોવા મળે. બાળકની માતા પોતાના દીકરાના ચહેરા પર ખુશી જોવા માંગતી હતી, પરંતુ દરેક વ્યક્તિ માટે મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી પહોંચવું શક્ય નથી.

દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે માતાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી. તેણે લોકોને અપીલ કરી કે જો કોઈ પાસે સ્પોર્ટ્સ અથવા લક્ઝરી કાર હોય તો કૃપા કરીને તેના દીકરાના જન્મદિવસે થોડા સમય માટે તેમના ઘરની બહાર લઈને આવે જેથી બાળક ખુશ થઈ શકે. માતાની આ પોસ્ટ જોતજોતામાં વાઈરલ થઈ ગઈ. હજારો લોકોએ પોસ્ટ શેર કરી અને લોકો બાળકની ખુશીમાં ભાગીદાર બનવા માટે આગળ આવ્યા.

જન્મદિવસના દિવસે જે દ્રશ્ય સર્જાયું તે ખરેખર અદભૂત હતું. એક-બે નહીં પરંતુ અનેક લોકો પોતાની મોંઘી લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર્સ લઈને બાળકના ઘરની બહાર પહોંચી ગયા. કોઈ ફેરારી લઈને આવ્યું તો કોઈ લેમ્બોર્ગિની, તો કોઈ પોતાની મોડિફાઈડ સ્પોર્ટ્સ કાર સાથે ત્યાં હાજર રહ્યું હતું. ઘર બહાર જાણે કાર શો લાગી ગયો હોય એવું વાતાવરણ બની ગયું.

જ્યારે બાળકે પોતાના ઘરની બહાર એક સાથે એટલી બધી શાનદાર કાર્સ જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. તેના ચહેરા પરનું સ્મિત અને આંખોમાંનો ઉત્સાહ જોઈ ત્યાં હાજર દરેક વ્યક્તિ ભાવુક બની ગઈ.

કાર માલિકોએ માત્ર કાર્સ બતાવી જ નહીં, પરંતુ બાળકને કારમાં બેસાડ્યો, ફોટા પડાવ્યા અને તેની સાથે સમય પણ પસાર કર્યો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ ગયા અને લોકો માતાની લાગણી તેમજ અજાણ્યા લોકોની માનવતાની પ્રશંસા કરવા લાગ્યા.


ઘણી વખત સોશિયલ મીડિયાને લઈને નકારાત્મક ચર્ચાઓ થતી હોય છે, પરંતુ આવી ઘટનાઓ બતાવે છે કે સોશિયલ મીડિયા લોકો વચ્ચે પ્રેમ, લાગણી અને માનવતા પણ જોડે છે. એક માતાની નાનકડી અપીલ હજારો લોકોના દિલ સુધી પહોંચી અને એક બાળકનો જન્મદિવસ જીવનભરની યાદ બની ગયો. આ ઘટના એ પણ શીખવે છે કે ખુશી આપવા માટે હંમેશાં મોટા ઉપહારની જરૂર નથી હોતી, ઘણી વાર કોઈની નાની ઈચ્છા પૂરી કરવી જ સૌથી મોટું ગિફ્ટ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!