March 5, 2026
બિઝનેસ

શેરબજારમાં અફડાતફડી વચ્ચે એમઆરએફનો ધડાકો: એક દિવસમાં ₹ 4,675 વધ્યો

Spread the love

તમિલનાડુ સરકાર સાથે ₹5,300 કરોડની મેગા ડીલ બાદ બાહુબલી સ્ટોકમાં તેજીની લહેર

મિડલ ઈસ્ટમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત એશિયાઈ સ્ટોકમાર્કેટમાં નકારાત્મક માહોલ છે, જ્યારે મોટાભાગના માર્કેટમાં મોટા રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે, તેથી માર્કેટમાં એકતરફી ઘટાડો રહ્યો હતો, પરંતુ આ અઠવાડિયામાં આજે માર્કેટમાં સુધારો રહ્યો હતો. માર્કેટમાં દેશમાં ટાયર સેક્ટરની સૌથી મોટી કંપની એમઆરએફ લિમિટેડના શેરમાં ઉછાળો રહ્યો છે. એક જ દિવસમાં ઈન્ટ્રા ડેમાં શેરના ભાવમાં 4,675 રુપિયાનો ભાવ વધ્યો હતો.

એવું શું કારણ હતું કે એમઆરએફના ભાવમાં વધારો થયો છે. માર્કેટમાં અત્યારે લખાય છે ત્યારે 3.4 ટકા અથવા 4,675.15 રુપિયા વધીને શેરનો ભાવ 1,39,642 રુપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરના ભાવમાં વધારા માટે કંપનીએ તમિલનાડુ સરકાર સાથે એક મેગા ડિલ ફાઈનલ કરી હોવાનું પરિબળ જવાબદાર છે. ઓપનિંગ સેશનમાં 1,36,015 રુપિયાથી ખૂલ્યો હતો, જ્યારે વધીને 1.39 લાખ રુપિયાની સપાટીએ પહોંચ્યો હતો. બાવન સપ્તાહની ઊંચી સપાટીનો ભાવ 1.63 લાખ રુપિયાએ પણ રહ્યો હતો, જ્યારે નીચી સપાટી પણ 1.02 લાખ રુપિયાની હતી.

બુધવારે એમઆરએફ લિમિટેડે તમિલનાડુ સરકારની સાથે એક મહત્ત્વના કરારમાં હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અન્વયે કંપની રાજ્યમાં ટાયર નિર્માણ માટે એક નવા યુનિટનું નિર્માણ કરશે, જ્યારે 12 વર્ષમાં તમિલનાડુમાં કંપની 5,300 કરોડ રુપિયાનું જંગી રોકાણ કરશે. સરકારે પણ જણાવ્યું હતું કે આ યુનિટનું નિર્માણ રાજ્યના શિવગંગા જિલ્લા સ્થિત સિપકોટ ઔદ્યોગિક પાર્કમાં કરવામાં આવશે, જ્યારે તેનાથી લગભગ 1,000થી વધુ લોકોને ડાયરેક્ટ રોજગારી મળે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

તમિલનાડુ સરકારે કહ્યું હતું કે રોકાણ સંબંધિત દસ્તાવેજોમાં મહત્ત્વની પ્રક્રિયા પાર પાડવામાં આવી છે, જ્યારે શેરબજારને પણ એની જાણ કરવામાં આવી છે. સ્ટોકમાર્કેટમાં જંગી રોકાણની માહિતી પછી એક તરફી સ્ટોકમાં નવી લેવાલી નીકળી હતી. કંપનીના અહેવાલ અનુસાર કંપની ટાયર અને તેના સંબંધિત અન્ય ઉત્પાદનના નિર્માણ માટે તમિલનાડુ સરકારની નોડલ એજન્સી ગાઈડન્સ સાથે એક સમજૂતીમાં હસ્તાક્ષર કર્યા હતા.

કંપનીની પ્રોફાઈલની વાત કરીએ તો માર્કટમાં બાહુબલી શેર એમઆરએફ ગણાય છે, જ્યારે ડિસેમ્બર, 2025ના ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીનો નેટ પ્રોફિટ વધીને 692 કરોડ રુપિયા થયો છે, જ્યારે આ અગાઉ ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં કંપનીનો કૂલ નફો 315 કરોડ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!