સોના-ચાંદીમાં તોફાન: ચાંદીનો ભાવ ₹ 4 લાખને પાર
બુલિયન માર્કેટમાં ઐતિહાસિક તેજી: સોનું પણ ₹1.75 લાખની સપાટી કૂદાવી ગયું

મોંઘવારી અને વૈશ્વિક અસ્થિરતાને કારણે બુલિયન માર્કેટમાં સોનાચાંદી રોજ ઐતિહાસિક સપાટી પાર કરી રહ્યા છે. રોકાણકારો પણ હજુ રોકાણ કરવામાં પાછું વળીને જોતા નથી. ભારતીય માર્કેટમાં પણ સોનાચાંદીના ભાવમાં રોજ અફડાતફડી જોવા મળી રહી છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, જેમાં ચાંદી ચાર લાખ રુપિયાની સપાટી પાર કરી છે.
ભારતીય બુલિયન માર્કેટમાં સોનાચાંદીના ભાવ આજે એમસીએક્સ પર ચાર લાખ પાર કર્યા છે. કિલોગ્રામદીઠ ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પાર કરી છે, જેનાથી વેપારીઓમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે. ગણતરીના કલાકોમાં ચાંદી-સોનાના ભાવમાં પાંચથી છ ટકાનો વધારો થયો હતો.
ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે, જેમાં પહેલી વખત ચાર લાખ રુપિયાની સપાટી પાર કરી છે. એમસીએક્સ પર ચાંદીના ડિલિવરીના ભાવમાં 22,090 રુપિયા વધીને 4,07,450 રુપિયાનો ભાવ નોંધાયો છે. મોંઘવારી અને અનિશ્ચિતતાને કારણે સુરક્ષિત રોકાણનો વિકલ્પ બનતા સોનાચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો વૈશ્વિક માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં તેજી રહી છે. સ્પોટ સિલ્વરનો ભાવ 10.59 ટકા વધીને 117.4 ડોલરે રહ્યો છે, જ્યારે ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ઔંસદીઠ ભાવ 119.34 રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 60 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે, જેના માટે રોકાણમાં વધારો અને સપ્લાયમાં ઘટાડાનું પરિબળ જવાબદાર છે.
ચાંદી સિવાય સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સ પર સોનાના 10 ગ્રામના ભાવ 5.82 ટકા વધ્યા હતા, જે પહેલી વખત 1.75 લાખની સપાટી પાર કરી છે. આજે સોનાના ભાવમાં 9,663 વધીને 1,75,578 બોલાયા હતા. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી રહી છે, જે 9.73 ટકા વધીને ઔંસદીઠ 5,528 ડોલરે રહ્યા હતા.
