આખરે અરવિંદ કેજરીવાલને રાહતઃ એક્સાઈઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટના શરતી જામીન
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે પાંચમી સપ્ટેમ્બરના કેજરીવાલની અરજીઓના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. સીબીઆઈએ આ કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખને 26 જૂનના ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આજે મહત્ત્વનો ચુકાદો આપીને અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલને સીબીઆઈના કેસમાં જામીન મળ્યા છે. ઈડીના કેસમાં કેજરીવાલને અગાઉથી જામીન મળ્યા હતા, જ્યારે સીબીઆઈના કેસમાં કેજરીવાલને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જે મુદ્દે આજે ચુકાદો કોર્ટે આપીને જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલને 10 લાખ રુપિયાના બોન્ડ અને બે જામીનની રકમ પર જામીન મંજૂર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલને ઈડીના કેસમાં જામીન આપ્યા હતા અને સીબીઆઈના કેસમાં તેમને કેદમાં રાખવાની વાત અયોગ્ય છે. જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. કેસની પ્રક્રિયા અથવા ધરપકડની બાબત એ પીડા બનવી જોઈએ નહીં. સીબીઆઈની ધરપકડ યોગ્ય નથી, તેથી કેજરીવાલને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. જોકે, અન્ય બેન્ચના ન્યાયાધીશ સૂર્યકાંતે કેજરીવાલની સીબીઆઈની ધરપકડને યોગ્ય ગણાવી હતી. 156 દિવસ પછી કેજરીવાલને જામીન મળતા આમ આદમી પાર્ટીએ રાહતનો શ્વાસ લીધો છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવેલી અરજીમાં જામીન મુદ્દે સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. 21મી માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ પછી પહેલી એપ્રિલે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. દસમી મેના રોજ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પહેલી જૂને જેલમાંથી મુક્ત કર્યા પછી બીજી જૂનના જેલમાં હાજર થયા હતા. આ ઉપરાંત, 13મી સપ્ટેમ્બરે જેલમાં મુક્ત કરવામાં આવે તો 177 દિવસ થાય, જ્યારે બાકી 21 દિવસ બાદ કરીએ તો કેજરીવાલનો 156 દિવસનો જેલવાસ રહ્યો હતો.
