Olympics: વધુ એક આંચકો આપ્યો વિનેશ ફોગાટે, હવે આ જાહેરાત કરી…
પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર ક્યા પછી ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. માને યાદ કરીને લખ્યું કે હું હિંમત હારી ગઈ. 2001થી 2024 સુધીની કુસ્તીને અલવિદા. પેરિસથી આવ્યા પહેલા ભારતીય રેસલર વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. ક્વાર્ટર ફાઈનલથી સેમી ફાઈનલ અને ફાઈનલની મેચ રમ્યા પહેલા 100 ગ્રામ વજનને કારણે રેસલિંગમાંથી બહાર જવાને કારણે ભારતમાં તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રાજકારણીઓની સાથે રમતગમત અને બોલીવુડના લોકોએ તેને ચેમ્પિયન તરીકે નવાજી હતી. દરમિયાન આજે વિનેશ ફોગાટે સૌનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે હું સૌની ઋણી રહીશ. આ અગાઉ વિનેશે ઈન્ટરનેશનલ સંસ્થાને ઓલિમ્પિકમાં મેડલ આપવાની અપીલ કરી હતી જે અંગે આજે ચુકાદો આવી શકે છે. જોકે, આ નિર્ણય આવ્યા પહેલા વિનેશ ફોગાટે સંન્યાસ જાહેર કરીને કરોડો ચાહકોને ચોંકાવ્યા છે.
રેસલર વિનેશ ફોગાટે પોતાના એક્સ હેન્ડલ પર પોતાની 24 વર્ષની કારકિર્દીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે અલવિદા કુસ્તી. વિનેશ પોતાની માને યાદ કરીને માફી માગીને લખ્યું છે કે કુસ્તી મારી સામે જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો. તમારું સપનું અને મારી હિંમત તૂટી ગઈ. હવે એનાથી વધારે તાકાત રહી નથી.
અહીં એ વાત પણ જણાવવાની કે વિનેશ ફોગાટને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ચેમ્પિયન ગણાવીને તેની હિંમત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ઓફ સ્પોર્ટસ (સીએએસ) સમક્ષ પણ પોતે મેડલને પાત્ર હોવાની અરજી કરી હતી.
મંગળવારે એક સાથે બે મેચ જીત્યા પછી તેનું ફાઈનલ માટે વજન માપવામાં આવ્યું તો તેનું 100 ગ્રામ વજન વધુ નીકળ્યું હતું, જેથી ફાઈનલ માટે તેને ડિસક્વોલિફાય જાહેર કરી હતી. દરમિયાન કુસ્તી સંચાલક સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે પણ સ્પષ્ટ કર્યું હતું કે વજન સંબંધિત વર્તમાન નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
