કેમ એક દેશે 400થી વધુ મૂંગા અને નિર્દોષ દેખાતા રીંછને સંભળાવી મોતની સજા???
રોમાનિયા: હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? પરંતુ આ હકીકત છે. રોમાનિયાની સરકાર દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયને કારણે સેંકડો2 રીંછને મોતને ઘાટ ઉતારવાનું ફરમાન બહાર પડ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે રોમાનિયાની સરકાર દ્વારા 481 જેટલા રીંછને મોતને ઘાટ ઉતારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સરકાર દ્વારા આવો અમાનવીય લાગતો આદેશ આપવા પાછળના કારણની વાત કરીએ તો અહીં રીંછની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો હતો, જેને કારણે સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. રોમાનિયામાં જ્યારે એક 19 વર્ષની યુવતીને રીંછે જાનથી મારી નાખી ત્યાર બાદ સરકારને આ નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો રોમાનિયાએ યુરોપમાં જોવા મળતા રીંછના કુલ 60 ટકા રીંછ અહીં જ જોવા મળે છે, ટૂંકમાં કહીએ તો રોમાનિયા એ રીંછનું ઘર ગણાય છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવામાં અહીં આશરે 6000થી વધુ રીંછ હોવાનો દાવો પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અહીં જોવા મળતા આ રીંછની ખાસિયત વિશે વાત કરીએ તો આ રીંછ માણસની જેમ જ બે પગ પર ઊભા થઈ શકે છે, ચાલી શકવામાં પણ સક્ષમ હતા. ઓછામાં પૂરું માણસની જેમ જ આ રીંછ પણ હાથથી જ કોઈ પણ વસ્તુ ઉપાડી કે મૂકે છે. 30 માઈલ પ્રતિ કલાકની સ્પીડ પર દોડી શકતા આ રીંછ એકબીજાની ગંધ અને અવાજથી પોતાની પ્રજાતિના અન્ય રીંછ સાથે સંવાદ સાધવાનું પસંદ કરે છે.
રોમાનિયામાં કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે કે રીંછના હુમલાથી બચવા અને તેની વધતી સંખ્યાને અંકુશમાં રાખવા માટે કાયદેસર રીતે તેને મારવાની મંજૂરી આપી છે. એક અંદાજ પ્રમાણે 2023માં 220 રીંછને મારી નાખવામાં આવ્યા હતા, જ્યારે હવે તેની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે વર્ષે 481 મારી શકાશે. સરકારના અહેવાલ અનુસાર છેલ્લા 20 વર્ષમાં રીંછના હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા. પર્વતીય વિસ્તારમાં ખાસ તો કાર પર હુમલો કરવાના કિસ્સા વધુ બન્યા છે.
