બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીનું 72 વર્ષે નિધન
પટણા: લોકસભાની ચૂંટણીનાં ચાર તબક્કાનું મતદાન પૂરું થયું ત્યાં ગઈકાલે બિહારમાંથી ભારતીય જનતા પાર્ટી માટે દુઃખદ સમાચાર આવ્યા છે. બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીનું લાંબી માંદગી બાદ સોમવારે રાતના નિધન થયું હતું.
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |— Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024
રાજ્યસભાના પૂર્વ સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ ગઈકાલે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને ગળાનું કેન્સર હતું. તેમના અવસાનથી બિહારના રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સુશીલ કુમાર મોદી બિહારમાં નાયબ મુખ્ય પ્રધાન પદે પણ રહી ચૂકયા હતા. 72 વર્ષે અવસાન થવાના અહેવાલ બાદ રાજકીય નેતાઓએ સદગતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના અવસાન અંગે પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અંગે બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે આપણે વચ્ચે સુશિલ કુમાર મોદી રહ્યા નથી. આ ખોટ ક્યારેય પૂરી કરી શકાય એમ નથી. તેમની કુશળતા અને વહીવટી સૂઝ તેઓ હંમેશાં યાદ રહેશે. અત્યારના સમયમાં ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે.
સુશીલ કુમાર મોદી રાજકારણમાંથી સંન્યાસ લેતા પહેલા સંકેત પણ આપ્યા હતા. સુશિલ કુમાર મોદીને સુમોના નામથી પણ જાણીતા હતા. ઈમર્જન્સી પહેલા વિદ્યાર્થીવાસ્થામાં તેઓ રાજકારણ સાથે સંકળાયેલા હતા. એ જમાનામાં લાલુ પ્રસાદ યાદવ, નીતીશ કુમારની સાથે સુશીલ કુમાર મોદી સાથે તેમને ત્રિપુટી કહેવાતી, જે ઓળખ આજ સુધી હતી. બિહારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું ગઠન કરવા અને આગળ વધારવા માટે તેમનું યોગદાન મોટું હતું. બિહારમાં કૈલાશપતિ મિશ્રા પછી સુશીલ મોદી જ ભાજપના સૌથી મોટા નેતા હતા અને બિહાર ભાજપ એટલે સુશીલ મોદી.
સુશીલ કુમાર મોદી વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા અને રાજ્યસભા એમ તમામના સભ્ય રહ્યા હતા અને આ સિદ્ધિ બહુ ઓછા નેતાઓએ પ્રાપ્ત કરી હતી. એના સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાન પણ રહી ચૂક્યા હતા. એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા નીતીશ કુમારની સાથે તેમની દોસ્તી પાક્કી હતી, જ્યારે નીતીશ કુમારને ભાજપથી નજીક લાવવામાં તેમનું મોટું યોગદાન હતું.
