1767થી એવરેસ્ટની ઊંચાઈથી લઈને કચ્છના રણ સુધી રાષ્ટ્રનિર્માણમાં ‘સર્વે ઓફ ઇન્ડિયા’નું ઐતિહાસિક યોગદાન
ભારતીય સર્વેક્ષણ વિભાગ (Survey of India)ની રાષ્ટ્રના ઇતિહાસ કરતાં પણ જૂની એક ગૌરવગાથા છે. વર્ષ 1767માં, જ્યારે ભારત પાસે ન તો પોતાનું બંધારણ હતું, ન રાષ્ટ્રધ્વજ કે ન આધુનિક નકશાકીય વ્યવસ્થા, ત્યારે સર્વેયરોની(સર્વે કરતા લોકો) એક નાનકડી ટુકડીએ દેશની ધરતીનું વૈજ્ઞાનિક માપન કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી. આ પહેલમાંથી જ ભારતીય સર્વેક્ષણ વિભાગ (Survey of India)ની શરૂઆત હતી, જે આજે દેશની સૌથી જૂની વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક અને રાષ્ટ્રીય નકશાકીય સંસ્થા તરીકે કાર્યરત છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે કાર્યરત ભારતીય સર્વેક્ષણ વિભાગની ગુજરાત, દમણ અને દીવ ભૂ-સ્થાનિક નિદેશાલયના નિદેશક સિદ્ધાંત સેને વિગતો આપતા જણાવ્યું હતું કે,સૌથી પહેલાં થિયોડોલાઇટ્સ અને અદમ્ય ધીરજના સહારે સર્વેયરોએ ગાઢ જંગલો, વિશાળ રણપ્રદેશો અને દુર્ગમ પર્વતીય વિસ્તારોને પાર કરીને ‘ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે’ (મહાન ત્રિકોણમિતીય સર્વેક્ષણ) હાથ ધર્યું હતું. આ અભિયાન વિશ્વના સૌથી સાહસિક વૈજ્ઞાનિક સર્વેક્ષણોમાંનું એક હતું. આ જ સંશોધન પરંપરાએ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના સૌપ્રથમ વૈજ્ઞાનિક માપનનો માર્ગ મોકળો કર્યો હતો. એટલું જ નહીં, ભારતના બંધારણની મૂળ નકલના મુદ્રણ કાર્યમાં પણ ભારતીય સર્વેક્ષણ વિભાગે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
તેમણે કહ્યું કે,અઢી સદીથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સંસ્થાનો મૂળ સંકલ્પ આજે પણ અડગ છે, દેશની ધરતીના પ્રત્યેક ઇંચનું વૈજ્ઞાનિક માપન કરવું, તેની ભૌગોલિક ઓળખ સ્થાપિત કરવી અને તેને સચોટ નકશાકીય સ્વરૂપ આપવું. ગુજરાત, દમણ અને દીવમાં ગાંધીનગર સ્થિત અમારું નિર્દેશાલય આ રાષ્ટ્રીય સંકલ્પને સતત આગળ ધપાવી રહ્યું છે. કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારત જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વતંત્રતાની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિકાસયાત્રામાં સચોટ ભૌગોલિક માહિતી અને વિશ્વસનીય નકશાકીય માળખું અનિવાર્ય પાયાની ભૂમિકા ભજવે છે. કારણ કે સુનિયોજિત વિકાસની શરૂઆત જમીનની સાચી ઓળખ અને ચોક્કસ માપનથી જ થાય છે.
દરેક નકશાનો અદૃશ્ય, પરંતુ મજબૂત પાયો
કોઈ પણ નકશો માત્ર રેખાઓ અને સીમાઓનું ચિત્ર નથી; તેની પાછળ ચોકસાઈ, વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિશ્વસનીય ભૌગોલિક સંદર્ભનું મજબૂત માળખું કાર્યરત હોય છે. આ હેતુસર સમગ્ર રાજ્યમાં આડા અને ઊભા નિયંત્રણ બિંદુઓ (Horizontal and Vertical Control Points) સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બિંદુઓ દરેક નકશાને ચોક્કસ ભૌગોલિક સંદર્ભ પ્રદાન કરે છે. પૂરગ્રસ્ત વિસ્તારોના નકશાકરણથી લઈને બંધોની સુરક્ષાનું મૂલ્યાંકન, તેમજ રસ્તાઓ, પુલો અને નહેરો જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ સુધી વિવિધ ક્ષેત્રોના ઇજનેરો આ આધારનો ઉપયોગ કરે છે.
વર્ષ 1890નો ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે (GTS) બેન્ચમાર્ક આ વૈજ્ઞાનિક પરંપરાના ઐતિહાસિક વારસાનું પ્રતીક છે. બીજી તરફ, વડીનાર, પોરબંદર, ઓખા અને કંડલા ખાતે સ્થાપિત ભરતી-ઓટ માપન વેધશાળાઓ દરિયાની સપાટીમાં થતા ફેરફારો અને દરિયાઈ ગતિવિધિઓનું સતત નિરીક્ષણ અને રેકોર્ડિંગ કરે છે.
આ ઉપરાંત, જિયોડેટિક એસેટ રજિસ્ટર્સના પ્રકાશન દ્વારા નિયંત્રણ બિંદુઓની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાતમાં કાર્યરત સરકારી વિભાગો, સંસ્થાઓ, ઇજનેરો અને સર્વેયરો વિશ્વસનીય ભૌગોલિક સંદર્ભના આધારે પોતાની કામગીરી હાથ ધરી શકે છે.
વર્ષ 2047 તરફની વિકાસયાત્રા: પરંપરાથી આધુનિક ટેક્નોલોજી સુધી
એવરેસ્ટનાં હિમાચ્છાદિત શિખરોથી લઈને કચ્છના વિશાળ ખારાપાટ સુધી, ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતની ભૌગોલિક ઓળખને વૈજ્ઞાનિક ચોકસાઈ સાથે વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.
ગુજરાત, દમણ અને દીવમાં કાર્યરત નિર્દેશાલયની ટીમો ડ્રોન, LiDAR, GNSS અને GIS જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ગૌરવશાળી પરંપરાને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહી છે. વર્ષ 1767થી આજ સુધી સમય બદલાયો, સાધનો બદલાયાં અને ટેક્નોલોજીમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યાં; પરંતુ ભારતીય સર્વેક્ષણ વિભાગનો મૂળ ઉદ્દેશ્ય અડગ રહ્યો છે દેશની ધરતીનું સચોટ નકશાકરણ, વિશ્વસનીય ભૌગોલિક માહિતીનું સર્જન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવો.
વિકસિત ભારત @2047ની સંકલ્પનાને સાકાર કરવામાં દરેક નકશો, દરેક સર્વેક્ષણ અને દરેક ભૌગોલિક માહિતીનું પોતાનું આગવું મહત્ત્વ છે. આ જ દૃઢ સંકલ્પ સાથે ભારતીય સર્વેક્ષણ વિભાગ દેશની વિકાસયાત્રામાં સતત સહભાગી બની રહ્યો છે. આમ,ભારતીય સર્વેક્ષણ વિભાગ એ રાષ્ટ્રના નકશાકરણ, નાગરિકોનું સશક્તીકરણ અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં અવિરત યોગદાન આપી રહ્યું છે.
