February 17, 2026
ટોપ ન્યુઝનેશનલ

સસ્પેન્સ ખતમઃ રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે ચૂંટણી, બહેન પ્રિયંકા નહીં લડે ઈલેક્શન

Spread the love

સોનિયા ગાંધીની નજીકના કેએલ શર્મા અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થયું છે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન નજીકમાં છે ત્યારે ત્રીજી તારીખના સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે, જ્યારે અમેઠીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેએલ શર્માને ઉમેદવાર જાહેર કર્યાં છે.

અગાઉની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીને મળેલી હાર અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી રાજ્યસભાના મેમ્બર બન્યાં બાદ સવાલ હતો કે ગાંધી પરિવારના ગઢ સમાન અમેઠી અને રાયબરેલીની બેઠક પરથી કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે, પરંતુ તમામ અટકળો પરથી શુક્રવારે પડદો પડી ગયો હતો.

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ બંને સીટ પર ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે રાહુલ ગાંધી રાયબરેલી અને કિશોરી લાલ શર્મા અમેઠી લોકસભાની સીટ પર ચૂંટણીના મેદાનમાં હશે. કેએલ શર્મા સોનિયા ગાંધીના પ્રતિનિધિ રહી ચૂક્યા છે એની સાથે પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. આ મુદ્દે કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરીને તમામ તર્ક-વિતર્કનો અંત લાવ્યું છે.

કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન કમિટી દ્વારા સોશિયલ મીડિયા પર આ બંને ઉમેદવારના નામની જાહેરાત કરી હતી, જેમાં રાય બરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવતી વખતે સોનિયા ગાંધીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શકે છે. અહીં એ જણાવવાનું કે અમેઠી અને રાયબરેલી ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે, જેમાં રાયબરેલીથી રાહુલ ગાંધીને ટિકિટ આપી છે, પરંતુ અમેઠીથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપતા સૌને આશ્ચર્ય થયું છે.

કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી છે, જ્યારે તેઓ સોનિયા ગાંધીની નજીકની વ્યક્તિ છે, જેમની સ્મૃતિ ઈરાની સામે ટક્કર રહેશે. 2004માં રાહુલ ગાંધીએ અમેઠીથી ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની સાથે કિશોરીલાલ શર્મા ઉપસ્થિત હતા, જેઓ અમેઠી અને રાયબરેલીની ગલીઓથી વાકેફ છે, જે 20 વર્ષ બાદ રાહુલ ગાંધીની જગ્યાએ ચૂંટણી લડશે. અમેઠીથી ત્રણ વખત રાહુલ ગાંધી સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ 2019માં સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા. આ વખતે કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી પણ 1999માં પહેલી વખત ચૂંટણી લડ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!