October 25, 2026
હેલ્થ

ચિયા સીડ્સ કે અળસી? હાર્ટને હેલ્ધી રાખવા માટે કયું સુપરફૂડ છે નંબર વન; જાણી લો તફાવત

Spread the love

આજના દોડધામભર્યા જીવનમાં અનિયમિત ખાનપાન, શારીરિક કસરતનો અભાવ અને માનસિક તણાવને કારણે હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે લોકો પોતાના આહારમાં સુપરફૂડ્સનો સમાવેશ કરવા લાગ્યા છે, જેમાં ચિયા સીડ્સ અને અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સ સૌથી વધુ લોકપ્રિય છે.|અળસી અને ચિયાસીડ્સ બીજ ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને પ્લાન્ટ-બેસ્ડ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે. પરંતુ જ્યારે હૃદયના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આ બંનેમાંથી કયું સુપરફૂડ વધુ ફાયદાકારક સાબિત થાય છે અને બંને વચ્ચે શું તફાવત છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે.

ઓમેગા-૩ ફેટી એસિડ (ALA)ની સરખામણી
અલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) એ એક વનસ્પતિજન્ય ઓમેગા-૩ ફેટી એસિડ છે, જે શરીરમાં બળતરા (Inflammation) ઘટાડવા અને ધમનીઓને સ્વસ્થ રાખવા માટે અત્યંત ઉપયોગી છે. આશરે 28 ગ્રામ (લગભગ 2 ચમચી) ચિયા સીડ્સમાંથી આશરે પાંચ ગ્રામ ALA મળે છે. જ્યારે એટલી જ માત્રા એટલે કે 28 ગ્રામ અળસીમાંથી આશરે 6 ગ્રામ ALA પ્રાપ્ત થાય છે. અળસીમાં લિગ્નન્સ નામના ખાસ વનસ્પતિ ઘટકો હોય છે, જે શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મો ધરાવે છે અને ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે.

કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પર અસર
ચિયા અને અળસી બંનેમાં વિસર્જનશીલ ફાઈબર (Soluble Fiber) ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીમાં જામતા ખરાબ કોલેસ્ટ્રોલને શોષીને બહાર કાઢવામાં મદદ કરે છે. સંશોધકોના મતે કેટલાક તબીબી અભ્યાસો અનુસાર, અળસીનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર અને ખરાબ કોલેસ્ટ્રોલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

ચિયા સીડ્સ પર પણ સંશોધનો થયાં છે, પરંતુ હૃદય પર તેની સીધી અને લાંબા ગાળાની અસરોના પુરાવા અળસીની સરખામણીમાં મિશ્ર છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે માત્ર આ બીજ ખાવાથી હૃદયરોગનો ખતરો સંપૂર્ણ ટળતો નથી, તેની સાથે નિયમિત કસરત, બીપી-સુગર નિયંત્રણ અને ધૂમ્રપાનથી દૂર રહેવું અનિવાર્ય છે.

આહારમાં કેવી રીતે કરવો સમાવેશ?
ચિયા સીડ્સ: ચિયા સીડ્સને હંમેશાં પાણી, દૂધ કે તાજા ફળોના જ્યુસમાં 15થી 20 મિનિટ પલાળીને જ ખાવા હિતાવહ છે. તેને સ્મૂધી, ઓટ્સ, દહીં કે પુડિંગમાં ઉમેરી શકાય છે.
અળસી (ફ્લેક્સ સીડ્સ): અળસીના આખા બીજ પેટમાં પચવામાં મુશ્કેલ હોય છે, તેથી તેને હળવા શેકીને તેનો પાવડર બનાવીને દાળ, શાક, રોટલીના લોટમાં કે સલાડ પર ભભરાવીને ખાવું સૌથી શ્રેષ્ઠ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!