વિમાનના બંને પાઇલટને ક્યારેય કેમ નથી અપાતું એક સરખું ભોજન? જાણો એવિએશન સેફ્ટીનો આ મોટો નિયમ

તાજેતરમાં જ ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે બનેલી હિંસક ઘટના બાદ એવિએશન સેફ્ટી અને કોકપિટ પ્રોટોકોલ્સને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા માત્ર મજબૂત વિમાન કે અત્યાધુનિક ટેકનોલોજી પર જ નહીં, પરંતુ પાયલટોની શારીરિક સક્ષમતા પર પણ સંપૂર્ણ નિર્ભર કરે છે. આ જ કારણોસર આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે એક અત્યંત રોચક અને મહત્વપૂર્ણ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. આ પ્રોટોકલ એક જ ફ્લાઇટના બંને પાયલટોને ક્યારેય એક સરખું ખાવાનું પીરસવામાં આવતું નથી.
બંને પાઇલટોનું ભોજન અલગ રાખવા પાછળનું મુખ્ય કારણ: જો પ્લેનના બંને પાયલટ એક જ પ્રકારનું ભોજન ખાય અને તેમાં કોઈ ખામી હોય કે ફૂડ પોઈઝનિંગ થાય, તો બંને પાઇલટો એકસાથે બીમાર પડી શકે છે. જો કેપ્ટનનું સ્વાસ્થ્ય અચાનક બગડે, તો કો-પાઇલટ (ફર્સ્ટ ઓફિસર) સંપૂર્ણપણે સ્વસ્થ હોવો જોઈએ જેથી તે એકલા હાથે વિમાનનું સુરક્ષિત ઉતરાણ કરાવી શકે. સામાન્ય રીતે એરલાઇન્સ નિયમ રાખે છે કે એક પાઇલટને ચિકન કે મીટ ડિશ અપાય તો બીજાને શાકાહારી અથવા માછલી આપવામાં આવે છે. બંનેના ભોજનની સામગ્રી અલગ અલગ બેચમાંથી તૈયાર થયેલી હોય છે.
ભોજન લેવાનો સમય પણ એકસાથે નથી હોતો: માત્ર મેનૂ જ અલગ નથી હોતું, પરંતુ બંને પાઇલટો એકસાથે ભોજન પણ લઈ શકતા નથી. એક પાયલટ જ્યારે જમતો હોય ત્યારે બીજો પાઇલટ સંપૂર્ણપણે કોકપિટ કંટ્રોલ અને ફ્લાઇટ મોનિટરિંગ સંભાળે છે. જ્યારે પહેલો પાઇલટ જમીને મુક્ત થાય, ત્યાર બાદ જ બીજો પાઇલટ પોતાનું ભોજન લે છે.
ઐતિહાસિક ઘટનાઓ અને એવિએશન નિયમો: ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા જ્યાં ખરાબ ભોજનને કારણે ક્રૂ સભ્યો એકસાથે બીમાર પડ્યા હતા. 1975 અને 1982ની કેટલીક ઘટનાઓમાં ફ્લાઇટ ક્રૂ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા બાદ એવિએશન સેફ્ટી રેગ્યુલેટર્સે આ માર્ગદર્શિકાને અત્યંત ગંભીરતાથી લાગુ કરી હતી.
જોકે આ નિયમ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ દેશોના સિવિલ એવિએશન કાયદામાં કડક રીતે ફરજિયાત ન પણ હોય, તો પણ મોટા ભાગની વૈશ્વિક એરલાઇન્સ પોતાના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ આ નિયમનું ચુસ્તપણે પાલન કરાવે છે.
