માત્ર 90 મિનિટ ઊંઘવાના મળશે રૂપિયા 13.76 લાખ! જાપાનમાં અનોખી સ્પર્ધા, પરંતુ વિચિત્ર નિયમો જાણી ઉડી જશે ઊંઘ
શું માત્ર દોઢ કલાક એટલે કે 90 મિનિટ ઊંઘવા બદલ કોઈ લાખો રૂપિયાનું ઇનામ આપી શકે? સવાલ સાંભળીને જ તમે પણ ચોકીં ગયા ને? સાંભળવામાં કોઈ સપના જેવી લાગતી આ વાત વાસ્તવમાં જાપાનની રાજધાની ટોક્યોમાં બનવા જઈ રહી છે. ટોક્યોમાં 5મી ઓક્ટોબર, 2026ના રોજ એક અનોખી સ્લીપિંગ કોમ્પિટિશન યોજાવાની છે, જેમાં વિજેતાને લાખો રૂપિયાનું જંગી રોકડ ઈનામ મળશે.
જોકે, આ સ્પર્ધા જેટલી આકર્ષક લાગે છે, તેના નિયમો અને શરતો એટલા જ આશ્ચર્યજનક અને રહસ્યમય છે. આ માત્ર કોઈ કંપનીની માર્કેટિંગ પબ્લિસિટી છે કે ઊંઘ અને માનવ મગજ પરનો કોઈ વિશિષ્ટ પ્રયોગ, તે અંગે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.
રૂપિયા 13.76 લાખનું રોકડ ઇનામ
સ્પર્ધામાં શ્રેષ્ઠ રીતે ઊંઘનાર મુખ્ય વિજેતાને 2.22 મિલિયન જાપાનીઝ યેન એટલે કે લગભગ રૂપિયા 13.76 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ અનોખી સ્પર્ધાનું આયોજન ટોક્યોના પ્રખ્યાત ‘શેર ગ્રીન મિનામી આઓયામા’ ખાતે એક સ્થાનિક મેટ્રેસ (ગાદલા) બનાવતી બ્રાન્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટમાં 20-20 લોકોના માત્ર 3 સેશન રાખવામાં આવશે, એટલે કે ખૂબ જ મર્યાદિત લોકોને જ આ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
મગજની સ્થિતિ અને સ્લીપ પેટર્ન પર ચાંપતી નજર
90 મિનિટ દરમિયાન પથારી પર સૂતેલા સ્પર્ધકો પર ખાસ સેન્સર્સ, મેડિકલ સ્કેનર્સ અને સ્માર્ટ ડિવાઇસ લગાવવામાં આવશે. વ્યક્તિ કેટલી ગાઢ ઊંઘમાં (Deep Sleep) છે, તેનું હાર્ટ રેટ કેવું છે અને મગજના તરંગોની સ્થિતિ કેવી છે તે તમામ બાબતોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરીને ડેટા એકઠો કરવામાં આવશે.
સ્પર્ધાના વિચિત્ર અને કડક નિયમો
જોકે, વાત કરીએ આ સ્પર્ધાના નિયમો વિશે તો આ સ્પર્ધાના સ્પર્ધકો સીધા પથારીમાં જઈ શકશે નહીં. તેમને પહેલાં અમુક ફિઝિકલ કસરત કરાવવામાં આવશે અને ત્યારબાદ અચાનક એક વિશિષ્ટ ‘સ્લીપ આઇટમ’ આપીને સૂવા માટે કહેવામાં આવશે. સ્પર્ધામાં આવતાં પહેલાં કોઈ વ્યક્તિ અગાઉથી ઉજાગરા કરીને થાકેલી હાલતમાં ન આવી શકે.
આ ઉપરાંત ઊંઘની કોઈ દવા, આલ્કોહોલ કે મેડિટેશનની પરવાનગી નથી. સૌથી પડકારજનક નિયમ એ છે કે જ્યારે સ્પર્ધક ગાઢ ઊંઘમાં સરકી રહ્યો હશે, ત્યારે વચ્ચે અચાનક ડરામણા કે વિચિત્ર અવાજો કરીને ખલેલ પહોંચાડવામાં આવશે, જેથી તે તણાવ વચ્ચે કેટલી માનસિક સ્થિરતા જાળવે છે તે ચકાસી શકાય.
‘ડીપ સ્લીપ ડાઇવ’ જેવા અનોખા એવોર્ડ્સ
માત્ર મુખ્ય વિજેતા જ નહીં, પરંતુ વિવિધ કેટેગરીમાં પણ ઇનામો અપાશે. તેમાં સૌથી ઝડપથી ઊંઘી જનાર માટે ‘ડીપ સ્લીપ ડાઇવ એવોર્ડ’ અને શ્રેષ્ઠ પોશ્ચર જાળવનાર માટે ‘સ્લીપિંગ પોઝિશન એવોર્ડ’ જેવા વિચિત્ર એવોર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. આયોજકોનો દાવો છે કે તેઓ ભાગદોડભરી જિંદગીમાં ગુણવત્તાયુક્ત ઊંઘ (Quality Sleep) પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ આયોજન કરી રહ્યા છે.
