આ કારણે મહારાષ્ટ્રમાં અટકી ગયું ચોમાસું, દેશમાં ઓછો વરસાદ પડવા પાછળ વિજ્ઞાન શું કહે છે? જાણો વિસ્તારથી…
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને અવારનવાર ભારતની આર્થિક જીવાદોરી કહેવામાં આવે છે, કારણ કે દેશની ખેતી અને અર્થતંત્ર તેના પર ખૂબ મોટો આધાર રાખે છે. પરંતુ આ ચોમાસાનું આગળ વધવું હંમેશાં સરળ હોતું નથી. તાજેતરના હવામાનના આંકડા દર્શાવે છે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવીને ચોમાસું અટકી ગયું છે, જેના કારણે દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે આખરે ચોમાસું અધવચ્ચે અટકી જવા પાછળ કયા કારણો જવાબદાર છે? અને શું માણસ ટેકનોલોજીની મદદથી તેને આગળ ધપાવી શકે છે? ચાલો સમજીએ આ પાછળનું ચોંકાવનારૂં વિજ્ઞાન.
ચોમાસું ત્યારે જ આગળ વધે છે જ્યારે બંગાળની ખાડી કે અરબી સમુદ્ર પર લો-પ્રેશર કે પછી સાઇક્લોનિક સર્ક્યુલેશન બને છે. આ સિસ્ટમ ભેજવાળા પવનોને જમીન તરફ ખેંચે છે. જ્યારે આવી કોઈ સિસ્ટમ નથી બનતી, ત્યારે ચોમાસાની ઝડપ ધીમી પડી જાય છે અને તે દિવસો કે અઠવાડિયા સુધી એક જ જગ્યાએ અટકી જાય છે.
ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનો ચોમાસાના પવનો માટે દીવાલ સમાન બને છે. હીટવેવ એટલે કે કાળઝાળ ગરમી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૂકા પવનો ભેજવાળા પવનોની ગતિને રોકી રાખે છે, જેના કારણે વરસાદ નવા વિસ્તારો સુધી પહોંચી શકતો નથી.
પ્રશાંત મહાસાગરમાં થતી ‘અલ નીનો’ની ઘટના વિશ્વભરના હવામાનને પ્રભાવિત કરે છે. અલ નીનોના ફેઝ દરમિયાન વાતાવરણના ચક્રમાં એવો ફેરફાર થાય છે કે ભારતીય ચોમાસું નબળું પડી જાય છે અને વરસાદ ખેંચાય છે.
આ ભૂમધ્ય રેખાની આસપાસ વાદળો, વરસાદ અને પવનોની મોટા પાયે થતી હલચલ છે. જ્યારે તે અનુકૂળ સ્થિતિમાં હોય છે, ત્યારે ભારતમાં વાદળો બંધાવાની અને વરસાદની પ્રક્રિયા ઝડપી બને છે. પરંતુ જ્યારે તે દૂર ચાલ્યું જાય છે, ત્યારે ચોમાસાની રફતાર નબળી પડી જાય છે.
ચોમાસાનો વરસાદ ત્યારે જ થાય છે જ્યારે ભેજવાળા પવનો અલગ-અલગ દિશામાંથી આવીને એકબીજાને મળે છે અને વાતાવરણમાં ઉપર તરફ ઊઠે છે. જો પવનો એકબીજાને મળ્યા વગર સીધા એક જ દિશામાં વહેવા લાગે તો ભેજ જમા થઈ શકતો નથી, જેના કારણે વાદળો બંધાતા નથી અને વરસાદ અટકી જાય છે.
આટલી વૈજ્ઞાનિક પ્રગતિ છતાં દુનિયામાં હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી નથી શોધાઈ જેનાથી ચોમાસાનો રસ્તો બદલી શકાય કે તેને કોઈ ખાસ રાજ્ય તરફ વાળી શકાય. આર્ટિફિશિયલ વરસાદ એટલે કે ‘ક્લાઉડ સીડિંગ’ (Cloud Seedings)ની મદદથી માત્ર ચોક્કસ મર્યાદિત વિસ્તારમાં હાજર ભેજવાળા વાદળોમાંથી વરસાદ પાડી શકાય છે, પરંતુ તેનાથી ચોમાસાની સિસ્ટમને ગતિ આપી શકાતી નથી. સમજી લો એક વાત ચોમાસું કુદરતી પ્રક્રિયા પર જ નિર્ભર છે.
