August 26, 2026
ધર્મહોમ

પહેલી રાખડી કોણે કોને બાંધી હતી? માતા લક્ષ્મી-રાજા બલિથી લઈ કૃષ્ણ-દ્રૌપદી સુધી, જાણો રક્ષાબંધનનો પૌરાણિક ઈતિહાસ

Spread the love

સનાતન સંસ્કૃતિમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, પરસ્પર વિશ્વાસ અને રક્ષણના સંકલ્પનું અનોખું પ્રતિક છે. શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે બહેનો ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી તેના દીર્ઘાયુની કામના કરે છે અને ભાઈ આજીવન તેની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ આ પવિત્ર પરંપરાની શરૂઆત ક્યારે થઈ અને સૌપ્રથમ રાખડી કોણે કોને બાંધી હતી, તેની પાછળ અનેક રોચક પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે.

સૌથી પહેલી રાખડી: માતા લક્ષ્મી અને રાજા બલિની કથા: શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર, રક્ષાબંધનની સર્વપ્રથમ અને સર્વમાન્ય કથા માતા લક્ષ્મી અને અસુરરાજ બલિ સાથે જોડાયેલી છે. રાજા બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ પાતાળ લોકમાં તેમના દ્વારપાળ બનવાનું સ્વીકાર્યું. લાંબા સમય સુધી ભગવાન વૈકુંઠ ન ફરતાં માતા લક્ષ્મી ચિંતિત થયા અને એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરી પાતાળ પહોંચ્યા. તેમણે રાજા બલિને રક્ષાસૂત્ર બાંધી પોતાના ભાઈ બનાવ્યા. બલિએ જ્યારે ભેટ માંગવા કહ્યું, ત્યારે લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાને પાતાળમાંથી મુક્ત કરી વૈકુંઠ મોકલવાની માંગણી કરી. રાખડીના વચનનું માન રાખી બલિએ ભગવાનને મુક્ત કર્યા.

શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનો પવિત્ર સ્નેહ: મહાભારત કાળમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની આંગળી કપાઈ જતાં લોહી વહેવા લાગ્યું હતું. ત્યાં ઉપસ્થિત દ્રૌપદીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની રેશમી સાડીનો પાલવ ફાડી શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. શ્રીકૃષ્ણએ તેને રક્ષાસૂત્ર માની દ્રૌપદીને રક્ષણનું વચન આપ્યું હતું, જે તેમણે ભરી સભામાં ચીરહરણ વખતે લાજ બચાવીને પૂર્ણ કર્યું હતું.

વિજય માટે બાંધવામાં આવેલું રક્ષાસૂત્ર (ઈન્દ્ર અને શચી): ભવિષ્ય પુરાણ અનુસાર, દેવો અને દાનવો વચ્ચેના 12 વર્ષના ભીષણ યુદ્ધમાં જ્યારે દેવતાઓ પરાજયના આરે હતા, ત્યારે દેવગુરુ બૃહસ્પતિના સૂચનથી ઈન્દ્રની પત્ની શચીએ (ઈન્દ્રાણી) શ્રાવણ પૂર્ણિમાના દિવસે એક સિદ્ધ રક્ષાસૂત્ર તૈયાર કરી દેવરાજ ઈન્દ્રના કાંડા પર બાંધ્યું હતું. આ રક્ષાસૂત્રની દિવ્ય શક્તિથી દેવતાઓએ અસુરો પર વિજય મેળવ્યો હતો.

યમરાજ અને યમુના નદીનો અમર સંબંધ: શ્રાવણ પૂર્ણિમાએ યમુનાએ પોતાના ભાઈ યમરાજને કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. બહેનના આ નિઃસ્વાર્થ પ્રેમથી પ્રસન્ન થઈ યમરાજે યમુનાને અમરતાનું વરદાન આપ્યું અને વચન આપ્યું કે આ દિવસે જે પણ ભાઈ બહેન પાસે રાખડી બંધાવશે તેને અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ મળશે.

ગણેશ પુત્રો શુભ-લાભ અને માતા સંતોષી: ગણેશ પુરાણ મુજબ, ભગવાન ગણેશના બે પુત્રો શુભ અને લાભની બહેન માટેની જીદ જોઈને શ્રી ગણેશે એક પવિત્ર યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞકુંડની દિવ્ય અગ્નિમાંથી દેવી સંતોષીનું પ્રાગટ્ય થયું હતું અને બંને ભાઈઓએ તેમને રાખડી બાંધી ઉત્સવ મનાવ્યો હતો.

ઐતિહાસિક પ્રસંગો: ધર્મ અને સીમાઓથી પર રક્ષાસૂત્ર: રાજા પુરુ અને સિકંદરની પત્ની: સિકંદરની પત્નીએ ભારતના રાજા પૂરુ (પોરસ)ને રાખડી મોકલી સિકંદરને જીવતદાન આપવાનું વચન માંગ્યું હતું, જે પૂરુએ યુદ્ધભૂમિમાં પાળી બતાવ્યું હતું.

રાણી કર્ણાવતી અને હુમાયું: ચિત્તોડ પર બહાદુર શાહના આક્રમણ વખતે વિધવા રાણી કર્ણાવતીએ મુઘલ બાદશાહ હુમાયૂંને રાખડી મોકલી મદદ માંગી હતી, અને હુમાયૂંએ ધર્મની સીમાઓ વટાવી પોતાની બહેનની રક્ષા માટે તાત્કાલિક સેના મોકલી હતી. ગિન્નોરગઢની રાણી અને મોહમ્મદ ખાન: રાજા નિઝામ શાહના મૃત્યુ બાદ રાણીએ મોહમ્મદ ખાનને રાખડી મોકલી રાજ્યની રક્ષા કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!