October 16, 2026
ટેકનોલોજીટોપ ન્યુઝ

સાવધાન! ક્લિક કર્યા વિના પણ ફોનમાં ઘૂસી રહ્યો છે સ્પાયવેર, જાણો ખતરનાક એડ સ્કેન્ડલ વિશે

Spread the love

ઈન્ટરનેટ બ્રાઉઝ કરતી વખતે કે મોબાઇલ એપ વાપરતી વખતે સ્ક્રીન પર આવતી સામાન્ય જાહેરાતોને આપણે મોટાભાગે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. પરંતુ આ નિર્દોષ દેખાતી જાહેરાતો જ જો તમારા ફોન કે કમ્પ્યુટરમાં જાસૂસી સોફ્ટવેર ઘુસાડી રહી હોય તો? સાયબર સુરક્ષા ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થાઓ Citizen Lab અને Confiant ના સંશોધને વૈશ્વિક સ્તરે હડકંપ મચાવી દીધો છે.

આ સંશોધન અનુસાર, ઈઝરાયલની ડિજિટલ એડ એજન્સી Discover Techએ ડિજિટલ જાહેરાતોની આડમાં સમગ્ર વિશ્વમાં જાસૂસીનું એક મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. રોજિંદા ઉત્પાદનોની એડ્સ બતાવીને લોકોનું લોકેશન ટ્રેક કરવામાં આવતું હતું અને તેમના ઉપકરણોમાં ગુપ્ત રીતે સ્પાયવેર ઇન્સ્ટોલ કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આ કંપનીના તાર અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી કુખ્યાત ઇઝરાયલી સ્પાયવેર કંપની Candiru સાથે સીધા જોડાયેલા છે, જેના ખતરનાક ટૂલ્સ આ જાહેરાતો મારફતે ડિવાઇસીસમાં પ્લાન્ટ કરવામાં આવતા હતા.

Discover Tech પોતાની જાહેરાતો ફેલાવવા માટે Google, Comcast અને રશિયન સર્ચ એન્જિન Yandex જેવા દુનિયાના ટોચના એડ નેટવર્ક્સનો ઉપયોગ કરતી હતી. આ ઈઝરાયલી કંપનીની જાહેરાતો 1.20 લાખથી વધુ વેબસાઇટ્સ અને ૭૫ હજારથી વધુ મોબાઇલ એપ્સ પર ચાલી રહી હતી.

સૌથી ચિંતાજનક બાબત એ હતી કે ટાર્ગેટ બનવા માટે યુઝરે એડ પર ક્લિક કરવાની પણ જરૂર નહોતી. જેવી કોઈ વેબસાઇટ કે એપ ખૂલતી અને એડ સ્ક્રીન પર લોડ થતી, તરત જ યુઝર ટ્રેક થઈ જતો હતો. Confiantના સહ-સંસ્થાપકના જણાવ્યા મુજબ, કંપની રોજના એક કરોડથી વધુ એડ્સ ચલાવતી હતી અને ‘કૂકી મેચિંગ’ ટેકનિકથી કરોડો ઇન્ટરનેટ યુઝર્સની ડિજિટલ પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી.

પેન્ટાગોન, યુએન અને Al Jazeera સહિતની મોટી સંસ્થાઓ ઝપેટમાં
અતિસુરક્ષિત નેટવર્ક્સ પણ અસુરક્ષિત: સંશોધકોના મતે આ સ્પાયવેર જાહેરાતોની પહોંચ અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન, સંયુક્ત રાષ્ટ્ર (UN), નાટો (NATO), આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA), આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC), યુરોપિયન કમિશન અને ટેક દિગ્ગજ Nvidia ના આંતરિક નેટવર્ક સુધી વિસ્તરેલી હતી.

Al Jazeeraના 45 કમ્પ્યુટર હેક: Citizen Lab ના અહેવાલ મુજબ, વર્ષ 2024થી 2025 વચ્ચે આ જાહેરાતો મારફતે સ્પાયવેર મોકલીને કતારની પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા Al Jazeeraના 45 વિન્ડોઝ ડિવાઇસીસને નિશાન બનાવીને હેક કરવામાં આવ્યા હતા.
પેલેસ્ટાઇન પર સતત સર્વેલન્સ: પેલેસ્ટાઇની વિસ્તારોમાં ચાલતી લગભગ તમામ લોકલ વેબસાઇટ્સ પર Discover Tech ની જાહેરાતો સક્રિય હતી, જેનાથી તે સમગ્ર વિસ્તારની ઓનલાઇન મુવમેન્ટ્સ પર 24 કલાક પેની નજર રાખવામાં આવતી હતી.

આ તપાસ બહાર આવ્યા બાદ મોટી ટેક કંપનીઓ તરત જ હરકતમાં આવી ગઈ છે. ગૂગલે Citizen Lab અને Confiant ના રિપોર્ટની પુષ્ટિ કરીને નીતિઓના ગંભીર ભંગ બદલ Discover Tech ને પોતાના એડ નેટવર્ક પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. Comcastની એડ-ટેક કંપની બીઝવેક્સે પણ પોતાના નેટવર્કમાંથી આ કંપનીને હટાવી દીધી છે. ઉપરાંત યુરોપિયન ડિજિટલ માર્કેટિંગ સંગઠને ઓડિટ બાદ આ ફર્મને પોતાના માન્ય વેન્ડર્સની યાદીમાંથી બાકાત કરી દીધી છે.

ઓનલાઈન જાહેરાતો દ્વારા થતી આ જાસૂસી હવે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર મુદ્દો બની છે. અગાઉ પેન્ટાગોને પણ ચિંતા વ્યક્ત કરી હતી કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત જવાનોના લોકેશન ડેટાને એડ-ટેક કંપનીઓ ટ્રેક કરી રહી હતી, જેના કારણે ઘણા સૈન્ય ઉપકરણોમાં એડ ટ્રેકિંગ સંપૂર્ણપણે બ્લોક કરી દેવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!