October 28, 2026
ટોપ ન્યુઝનેશનલ

ચાર રાજ્યોની એમએલસી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસનો સફાયો અને સપાનું જોમ વધ્યું

Spread the love

દેશના ચાર રાજ્ય યુપી (ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્ર)ની કૂલ 28 વિધાન પરિષદ એટલે એમએલસીની બેઠક પર યોજવામાં આવેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગૌરવ લઈ શકાય એવી જીત મળી છે, જ્યારે વિપક્ષી પાર્ટીમાં સમાજવાદી પાર્ટીમાં ચમક જોવા મળી છે, પરંતુ છાશવારે વિરોધ પ્રદર્શન કરવામાં અગ્રેસર રહેતી કોંગ્રેસ કેમ્પમાં સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નથી.

કોંગ્રેસશાસીત રાજ્ય કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને કોઈ બેઠક મળી નથી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના સ્ટેટમાં કોંગ્રેસનો સફાયો થયો છે, જ્યાં ભાજપ અને જેડીએસ ગઠબંધનની તમામ ચાર સીટ પર વિજય મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ મોટો અપસેટ સર્જાયો છે. ચૂંટણીમાં ફક્ત સ્નાતક અને શિક્ષક મતદાતાઓ જ મતદાન કરવા માટે પાત્ર હોય છે અને બેલેટ મતપત્ર દ્વારા મતદાન થાય છે, પણ કોંગ્રેસ જીતી શક્યું નથી એના પર કટાક્ષ કરતા પીએમ મોદીએ ખુદ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.

પહેલા પરિણામોની વાત કરીએ તો યુપીમાં પીએમ મોદીના ગઢ વારાણસીમાં સપાની જીત થઈ જેને લઈ યોગીથી લઈ મોદીના પ્રતિષ્ઠા પર સપાએ સવાલો કર્યા છે. યુપીમાં 11 વિધાન પરિષદની સીટમાં પાંચ સ્નાતક અને છ શિક્ષકમાંથી જાહેર થયેલા પરિણામોમાંથી છ ભાજપ અને સમાજવાદી પાર્ટીને ત્રણ બેઠક પર જીત મળી છે. પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીની શિક્ષક બેઠક પર સમાજવાદી પાર્ટીના લાલ બિહારી યાદવે જીત મેળવીને સૌને ચોંકાવ્યા છે.

યુપી સિવાય બિહારમાં પટનામાં અપસેટ સર્જાયો છે. આઠ બેઠકના રિઝલ્ટમાં પટણા સીટ પર છેલ્લા ત્રણ દાયકાથી કબજો ધરાવતા ભાજપના નેતા નવલ કિશોર યાદવને ડોક્ટર સંજીવ સિંહે પરાસ્ત કર્યા છે. એના સિવાય જનસુરાગ પાર્ટીના ડોક્ટર સુરેશ રાયની જીત સાથે બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીનું ખાતું ખોલ્યું છે.

કર્ણાટકમાં બેંગ્લુરુ શિક્ષક, ઉત્તર પૂર્વ શિક્ષક, દક્ષિણ પૂર્વ સ્થાતક અને પશ્ચિમ સ્નાતક બેઠક પર ભાજપ-જેડીએસ જીતીને કોંગ્રેસના સુપડા સાફ કર્યાં છે. બીજી બાજુ મહારાષ્ટ્રની પાંચ બેઠકમાં મતગણતરી વચ્ચે ત્રણ બેઠક પર એનડીએ અને બે સીટ પર મહાવિકાસ આઘાડી (એમવીએ)ની ટક્કર હતી. મતગણતરી વચ્ચે નાગપુર સ્નાતક વિધાન પરિષદની બેઠક પર શરુઆતમાં કોંગ્રેસ પાછળ હતી, પરંતુ કદાચ નાગપુર કોંગ્રેસનું નાક બચાવી લે તો નવાઈ નહીં.

વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો પછી સૌથી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. બેલેટ પેપરથી મતદાન થયા પછી પણ કોંગ્રેસને કેટલા મત મળ્યા એનો સવાલ કર્યો હતો. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકીને કહ્યું હતું કે જો પાર્ટી રાહુલ ગાંધીનું માનશે તો પાર્ટી ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!