આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ માટે કચ્છના ગુનેરી ગામની કેમ પસંદ કરી, જાણો એનું મહત્ત્વ?

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ મેના ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ની ઉજવણી કરે છે. જેના ભાગરૂપે સરકારે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આજે કચ્છ જિલ્લામાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરે અને ઉજવણી માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ નજીક આવેલ ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ – ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમનું વિશેષ મહત્વ રહેલું છે. આ સ્થળ તેની અનોખી પર્યાવરણીય વિશેષતાઓને કારણે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જૈવવિવિધતાના સંરક્ષણ માટે પ્રેરણારૂપ છે. આ વર્ષ ૨૦૨૬ની થીમ ‘સ્થાનિકસ્તરે કાર્ય – વૈશ્વિક સ્તરે પ્રભાવ’ આપણને એ સંદેશ આપે છે કે જૈવવિવિધતાનું સંરક્ષણ માત્ર સરકારો અથવા વૈશ્વિક સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ ગામ, શહેર અને સ્થાનિક સમુદાય સ્તરે કરવામાં આવતા નાના પ્રયાસો પણ સમગ્ર વિશ્વ પર સકારાત્મક અસર કરી શકે છે. પાણી, જંગલો, જમીન, વન્યજીવો અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીને જ ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણનું નિર્માણ શક્ય બનશે.
બાયોડાયવર્સિટી બોર્ડની ભૂમિકા
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા જૈવવિવિધતા અધિનિયમ, ૨૦૦૨ની જોગવાઈઓ મુજબ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ખાતે જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ-BMCની રચના કરવામાં આવે છે. આ સમિતિઓ દ્વારા લોકોના સહભાગથી પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર-PBR તૈયાર કરવામાં આવે છે, જેમાં સ્થાનિક જૈવવિવિધતા, પરંપરાગત જ્ઞાન અને કુદરતી સંસાધનોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. ઉપરાંત, લાભોની પ્રાપ્તિ અને વહેંચણી (ABS)ની વ્યવસ્થા દ્વારા સ્થાનિક સમુદાયોને જૈવવિવિધતાના સંરક્ષણ માટે પ્રોત્સાહન આપે છે.
રાજ્યમાં જૈવવિવિધતા મહત્વ ધરાવતા વિસ્તારોને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ-BHS’ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા પણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને વર્ષ ૨૦૨૫માં કચ્છ જિલ્લાના ગુનેરી ખાતે આવેલ ઇનલેન્ડ મેન્ગ્રોવના વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત ડાંગ જિલ્લાના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ને પણ BHS તરીકે જાહેર કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા રાજ્યભરમાં જૈવવિવિધતા જાગૃતિ માટે વિવિધ કાર્યશાળાઓ, તાલીમ કાર્યક્રમો, રેડિયો કાર્યક્રમો, શાળાકીય સ્પર્ધાઓ, પ્રદર્શન તેમજ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેના માધ્યમથી જૈવવિવિધતાના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ અને સહભાગિતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’નું મહત્ત્વ
જૈવવિવિધતા સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક વર્ષ ૧૯૯૨માં બ્રાઝિલના રિઓ ડી જેનેરો ખાતે યોજાયેલી “અર્થ સમિટ” દરમિયાન “કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી-CBD” અસ્તિત્વમાં આવ્યું. જે ૨૯ ડિસેમ્બર, ૧૯૯૩થી અમલમાં આવ્યું છે. ભારત સહિત આજે ૧૯૦થી વધુ દેશોએ આ કરાર સ્વીકાર્યો છે. CBDના ત્રણ મુખ્ય લક્ષ્યો છે: જૈવવિધતાનું સંરક્ષણ કરવું, તેના ઘટકોનો ટકાઉ ઉપયોગ કરવો અને ઉત્પન્ન લાભોની વ્યાજબી અને સમાન વહેંચણી કરવી. હકીકતમાં કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-CBD ૨૯ ડિસેમ્બર ૧૯૯૩ના અમલમાં આવી હતી પરંતુ ઘણા દેશોમાં હોલિડે આવતો હોવાથી યોગ્ય ઉજવણી કરવી મુશ્કેલ હતી. જેથી યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બ્લીએ ૨૨ મે ને આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ઘોષિત કર્યો, જે ૨૨ મે ૧૯૯૨ના રોજ નૈરોબી ફાઈનલ એક્ટ દ્વારા જૈવિક વિવિધતા ટેક્સ્ટને અપનાવવાની યાદમાં છે. જેથી તેના મહત્વને દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ૨૨ મેના રોજ ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિનની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં જૈવવિધતાના મહત્વની જાણકારી આપવી, પ્રાકૃતિક સંસાધનોની જાળવણીનું મહત્વ સમજાવવું અને વિવિધ સ્તરે લોકો અને સંસ્થાઓને જૈવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. વધુમાં, કચ્છ જિલ્લો તેની અનન્ય પર્યાવરણીય વિશેષતાઓ, સાંસ્કૃતિક વારસા અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે. કચ્છનો વિશાળ વિસ્તાર યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, જે અહીંના વૈવિધ્યસભર પર્યાવરણ અને કુદરતી સંપદાનું પ્રતિબિંબ આપે છે. ઉપરાંત, તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરાયેલ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ ખાતે આવેલ ‘ઇનલેન્ડ મેન્ગૃવ ઇકોસિસ્ટમ’ વૈશ્વિક સ્તરે અતિ દુર્લભ પરિસ્થિતિઓમાં જોવા મળતા મેન્ગૃવ પરિતંત્રોમાંનું એક છે. વિશ્વમાં ગણતરીની જગ્યાઓ પર જ જોવા મળતા આવા ઇનલેન્ડ મેન્ગૃવમાંથી એક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ હોવું રાજ્ય માટે ગૌરવ સમાન છે.
