May 5, 2026
ટ્રાવેલ

હેં! મહારાષ્ટ્રના આ ગામમાં ઘરની બહાર ગાડી નહીં પણ હોડી થાય છે પાર્ક, જાણો ક્યાં આવેલું છે આ ‘હિડન આઈલેન્ડ’

Spread the love

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામ આપણા મહારાષ્ટ્રમાં જ આવ્યું છે. મહારાષ્ટ્રના કોંકણ કિનારે આવેલું જુવે ગામ પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિની શોધમાં ભટકતા પ્રવાસીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી. આ ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંની જીવનશૈલી તેને અન્ય ભારતીય ગામોથી સાવ અલગ તારવે છે. અહીં તમને દરેક ઘરની બહાર ગાડી કે બાઈક નહીં પણ હોડી પાર્ક કરેલી જોવા મળશે. ચાલો જાણીએ આખરે આ પાછળનું કારણ…

અર્ધચંદ્રાકાર ટાપુ: આ ગામ રાજાપુરની અર્જુના નદી જ્યાં અર્ધચંદ્રાકાર (Crescent shape) માં વળાંક લે છે ત્યાં જ વસેલું છે. જુવે ગામ ચારે બાજુથી સમુદ્ર અને ખાડીના પાણીથી ઘેરાયેલું છે, જેના કારણે તે એક ટાપુ અથવા ‘બેટ’ જેવું લાગે છે. આ અનોખું ગામ જૈતાપુર ખાડી ખાતે જૈતાપુર, બુરંબેવાડી અને ધાઉલવલ્લીની બરાબર વચ્ચે આવેલું છે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મહારાષ્ટ્રમાં આવેલા આ જુવે નામના ગામમાં આવવા- જવા માટે માટે હોડી સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. આપણે ત્યાં મોટા મોટા શહેરોમાં જે રીતે ઘરની કે ઈમારતની બહાર કાર કે બાઈક પાર્ક કરેલી જોવા મળે છે, તેમ અહીં દરેક ઘરની બહાર નાની-મોટી હોડીઓ પાર્ક કરેલી જોવા મળે છે.

મહારાષ્ટ્રનું આ ગામડું હજુ ટૂરિસ્ટ પ્લેસ તરીકે એટલું ખાસ પ્રસિદ્ધ નથી એટલે અહીં તમે ભીડભાડ વગરની અપરંપાર શાંતિનો અનુભવ કરી શકાય છે. ગામની આસપાસ બ્લ્યુ વોટર (વાદળી પાણી) અને નાળિયેરી તથા સોપારીની ઘટાદાર વાડીઓ આવેલી છે, જે તેને ધરતી પરનું સ્વર્ગ બનાવે છે.

મુસાફરી કેવી રીતે કરશો?
વાત કરીએ તમે જૂવે સુધી કઈ રીતે પહોંચશો એની તો સૌ પ્રથમ રત્નાગિરીથી રાજાપુર અને ત્યારબાદ જૈતાપુર સુધી બસ કે અન્ય વાહન દ્વારા પહોંચી શકાય છે. જૈતાપુર પહોંચ્યા પછી ત્યાંથી હોડી કે બોટમાં બેસીને જ આ અનોખા ‘જુવે’ ગામમાં પ્રવેશ કરી શકાય છે. ટૂંકા વેકેશન અથવા વિકેન્ડ ગેટઅવે માટે આ ગામ એક ઉત્તમ વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!