ગેસની અછત વચ્ચે સ્કેમર્સ એક્ટિવ, તાત્કાલિક સિલિન્ડર ડિલિવરીની લાલચમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછતની પરિસ્થિતિ વચ્ચે સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે સાઈબર ક્રિમીનલ્સે હવે નવો ‘એલપીજી બુકિંગ સ્કેમ’ શરૂ કર્યો છે. આ એક ગંભીર વિષય છે કારણ કે લોકો ડર અને ઉતાવળમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યા છે. ચાલો તમને આ સ્ટોરીમાં આ સ્કેમ વિશે વિસ્તારથી જણાવીએ…
કેવી રીતે થાય છે આ ગેસ બુકિંગ ફ્રોડ?
વાત કરીએ આખું સ્કેમ કઈ રીતે થાય છે એની તો સ્કેમર્સ કે સાઈબર ફ્રોડ નાગરિકોની તાત્કાલિક જરૂરિયાતનો શિકાર કરે છે. આ કૌભાંડ મુખ્યત્વે ત્રણ રીતે ચલાવવામાં આવે છે. જેમાંથી પહેલું એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર એવી એડ મૂકવામાં આવે છે કે જેમાં દાવો કરવામાં આવ્યો હોય છે કે અહીં બુકિંગ કરાવનારને 24 કલાકમાં ગેસ મળશે.
સોશિયલ મીડિયા સિવાય સ્કેમર્સ બનાવટી લિંક પર ક્લિક કરતા જ તમે ઈન્ડેન કે એચપી જેવી અસલી ગેસ કંપની જેવી જ દેખાતી વેબસાઇટ પર લઈ જાય છે. આ વેબસાઈટ માત્ર તમારી બેંકિંગ ડિટેલ્સ ચોરવા માટે જ બનાવવામાં આવી હોય છે. હંમેશા ગેસ બુકિંગ કરવા માટે ઓફિશિયલ ગેસ કંપનીની વેબસાઈટનો ઉપયોગ કરો.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી સ્કેમર્સ તમને બાનમાં લે છે. આ પદ્ધતિમાં જો અત્યારે પેમેન્ટ નહીં કરો તો તમારો સિલિન્ડર કેન્સલ થઈ જશે એવો મેસેજ મોકલીને યુઝર્સ પર પ્રેશર બનાવે છે અને તેમને ઉતાવળમાં યુપીઆઈ પેમેન્ટ કરવા માટે મજબૂર કરે છે.
સ્કેમર્સથી બચવા માટે આટલું અવશ્ય ધ્યાનમાં રાખો
1. હંમેશા ગેસ એજન્સીની ઓફિશિયલ એપ (જેમ કે IndianOil One) અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કરો.
2. વોટ્સએપ કે એસએમએસ પર આવેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ ક્યારેય ન કરવું.
3. કોઈ પણ ગેસ એજન્સી કે કંપની તમારી પાસે ફોન પર ઓટીપી, યુપીઆઈ પિન કે પાસવર્ડ માંગતી નથી. જો કોઈ આવી માંગણી કરે તો તે ચોક્કસપણે ઠગ છે.
4. Google પર કસ્ટમર કેરનો નંબર શોધતી વખતે સાવચેત રહો, ઘણીવાર ઠગબાજો ત્યાં પોતાના નંબર મૂકી દેતા હોય છે.
5. જો તમારી સાથે છેતરપિંડી થાય, તો જરા પણ પેનિક થયા વગર તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
