Sunday Special: ઈરાન સામે યુદ્ધ પૂર્વે ઈઝરાયલ એક સિક્રેટ મિશન જીત્યું હતું, મોસાદના ઓપરેશનની વિગતો જાણો
ઈરાન અને ઈઝરાયલ યુદ્ધના મૂળ તો પરમાણુ શસ્ત્રો નિર્માણ છે, જેના નિયંત્રણ માટે ઈઝરાયલ અને અમેરિકાએ મહેનત કરી છે. યુદ્ધ પહેલા ઈરાન મોટી ભૂલ યા અધિકારીઓની બેદરકારીનું ભોગ બન્યું હતું અને પરમાણુ દસ્તાવેજો ચોરાયા હતા, જેનાથી ઈરાનની ઊંઘ હરામ કરી અને એના પરિણામ આમ જનતા અને સરકારની તિજોરીને ભોગવવા પડે છે. ઈરાને પરમાણુ કાર્યક્રમ સંબંધિત મહત્ત્વની માહિતી બહુ ઓછા લોકો સાથે શેર કરે છે, જ્યારે તેની માહિતી સીડી અથવા ફાઈલ કોઈ સિક્રેટ જગ્યાએ રાખવાનું હોય છે. 2018માં ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના એજન્ટસે એક ઓપરેશનને પાર પાડ્યું હતું, જેમાં મોસાદે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત માહિતી ચોરી લીધી હતી.
13મી જૂનના ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સત્તાવાર સંઘર્ષ થઈ ગયો હતો, ત્યાર પછી રોજે રોજ બંને દેશ આમનેસામને જાહેર પરિવહન, સરકારી કચેરીઓ સહિત હોસ્પિટલને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં એક પછી એક મહાસત્તાઓએ યુદ્ધ રોકવાના પ્રયાસ કર્યા હતા, પણ આ યુદ્ધ પૂર્વે મોસાદે એક મિશન પાર પાડ્યું હતું અને કઈ રીતે પાર પાડ્યું એની વિગતો જાણીએ. ઈઝરાયલનો એક ઉદ્દેશ સ્પષ્ટ છે કે ઈરાનને કોઈ પણ કિંમતે પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો. ઈરાન દાયકાઓથી પરમાણુ શસ્ત્રો બનાવવાની કોશિશ કરે છે, જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ તેને રોકવાના પ્રયાસ કર્યા હતા. 2018માં ઈઝરાયલે ઈરાનમાં પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે મોસાદ મારફત ઓપરેશન હાથ ધર્યું હતું. મોસાદના એજન્ટ મારફત ઈરાનના પરમાણુ હથિયારો રાખવાની જગ્યાની માહિતી એક્ત્ર કરવાનો પ્લાન બનાવ્યો હતો.
જાન્યુઆરી 2018માં મોસાદના એજન્ટ તહેરાનના વિસ્તારમાં સિક્રેટ લોકેશન પર એન્ટર થઈ ગયા હતા, જ્યાં દૂરથી કમાન્ડર પર ગતિવિધિઓ પર નજર રાખતા હતા. જ્યારે મોસાદના એજન્ટ એ રુમમાં પહોંચ્યા ત્યારે તેમની નજર 32 વિશાળ ઈરાની તિજોરી પર પડી હતી. દરેક તિજોરીની ઊંચાઈ 2.7 મીટર હતી, જ્યારે દરેક તિજોરીને જમ્બો કન્ટેનરમાં રાખવામાં આવી હતી, જ્યારે લોખંડના ડોર અને એલાર્મ સિસ્ટમ અને કેમેરાથી સજ્જ હતા. મોસાદના એજન્ટ તિજોરીને ઓપન કરવાનું જાણતા હતા, જેમાંથી 10 તિજોરીને બ્રેક કરવાનું નક્કી કર્યું હતું અને ત્રણ ફોલ્ડરની શોધમાં, જેમાં ન્યુક્લિયર પ્રોગ્રામ સંબંધિત માહિતી હતી. એક ફોલ્ડરમાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સમજૂતી (આઈએઈએ)ની સાથે ઈરાન સાથે થયેલી વાતચીતની માહિતી હતી. બીજા ફોલ્ડરમાં પરમાણુ સ્થળોના નિર્માણ અને પરમાણુ ઉપકરણ પ્રાપ્તિ તથા ત્રીજી સૌથી મહત્ત્વની માહિતી પરમાણુ વોરહેડની ડિઝાઈન અને ઉત્પાદનની માહિતી હતી.
મોસાદના એજન્ટ જેમ તેમ કરીને ત્રણેય ફોલ્ડર્સ શોધવામાં સફળ રહ્યા હતા. મોસાદના એજન્ટ્સ ત્રણ ફોલ્ડર્સ સિવાય સીડી, ડીવીડી, કમ્પ્યુટર ડેસ્ક મળ્યા હતા. જોકે, સીડીમાં કંઈ લખ્યું નહોતું, પરંતુ એજન્ટને આદેશ મળ્યો હતો કે તિજોરીમાં જે કંઈ મળે એ લઈ આવો. મોસાદના એજન્ટે જે દસ્તાવેજો ચોર્યા હતા, જેમાં લગભગ 114 ફોલ્ડર, 55,000થી વધુ પેજ અને 8,500 હાથથી લખેલા દસ્તાવેજોનો સમાવેશ હતો. અમુક દસ્તાવેજોમાં તો પરમાણુ વૈજ્ઞાનિકો દ્વારા લખ્યા હતા. સવારના પાંચ વાગ્યાના સુમારે મોસાદના એજન્ટ્સ આ તમામ માહિતી લઈને ફરાર થઈ ગયા હતા. એના પછી ઈઝરાયલે તમામ દસ્તાવેજોની માહિતી પ્રાપ્ત કરવાની શરુઆત કરી હતી. સૌથી વધુ દસ્તાવેજો ફારસી લિપિમાં લખ્યા હતા. ઈઝરાયલે તમામ દસ્તાવેજો ટ્રાન્સલેટ કર્યા હતા, જ્યારે ઈઝરાયલને દસ્તાવેજોમાંથી ચોંકાવનારી માહિતી મળી હતી. બે દાયકાથી ઈરાન સૈન્ય પરમાણુ કાર્યક્રમનો ઈનકાર કરે છે, પરંતુ દસ્તાવેજોથી ઈરાન એક સિક્રેટ ન્યુક્લિયર પ્રોગ્રામ સાથે જોડાયું છે, જ્યારે આ પ્રોગ્રામનો ઉદ્દેશ 10 કિલોટન ક્ષમતાના પાંચ પરમાણુ બોમ્બ નિર્માણ કરવાનો છે.
છેલ્લે ઈરાનને ખબર પડી કે મોસાદે તેના સિક્રેટ લોકેશન પરથી દસ્તાવેજો ગાયબ કર્યા હતા, પરંતુ ઈરાન કંઈ કરી શક્યું નહોતા. 30 એપ્રિલના ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ મોસાદના ઓપરેશનની જાણકારી દુનિયાને આપી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈરાન પર ઈઝરાયલે એર સ્ટ્રાઈક કરી હતી, ત્યારે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને નબળી બનાવવાનું કામ કર્યું હતું, જેના એટેકમાં રિવોલ્યુશનરી ગાર્ડના પ્રમુખ જનરલ હુસૈન સલામી, ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરી અને ઈરાની મિસાઈલ કાર્યક્રમના પ્રમુખ સહિત આઠ વરિષ્ઠ અધિકારીને માર્યા હતા. ઈરાનના મોટા મોટા અધિકારીના ઠેકાણા અને ચોક્કસ માહિતી ઈઝરાયલને અમસ્તા મળી, પરંતુ તેમાં મોસાદની મહિલા જાસૂસની મહેનત જવાબદાર છે.
કહેવાય છે કે મૂળ ફ્રાન્સની કેથરિન પેરેજે શેકેડે ઈસ્લામ કબૂલ કરીને ઈરાનના લશ્કરી અધિકારીઓની પત્ની સાથે નજીદીકી બનાવી હતી, ત્યાર પછી અધિકારીઓના ઘરે અવરજવર ચાલુ કરી હતી અને બેડરુમ સુધી પહોંચી હતી. કેથરિન અધિકારીઓ પાસેથી સટિક માહિતી પ્રાપ્ત કરી હતી, જે મોસાદને પહોંચતી કરવામાં સફળ રહી હતી. ઈઝરાયલના હુમલા પછી કેથરિન ગુમ થઈ ગઈ છે. ટૂંકમાં, ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધની પટકથા જાન્યુઆરી 2018માં લખાઈ ચૂકી હતી, જે માહિતી પ્રાપ્ત કરવાથી ઈઝરાયલના મોસાદે અડધી જીત અપાવી હતી.