દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ: વલસાડ, નવસારી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર
૨૪ કલાકમાં વલસાડ અને નવસારીમાં વધુ વરસાદ, માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી
ગાંધીનગરઃ રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો અને પારડી તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 2,500થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.
સતત બીજા દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે, જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ભારે વરસાદ વચ્ચે પણ તાલુકા-જિલ્લાના અનેક જાહેર રસ્તા-હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે અવરજવરમાં અવરોધ આવ્યો છે. વાપીમાં ભારે વરસાદથી શહેર વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોના જીવન પર અસર પડી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં ૪ ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૧૨ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૭૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૩ જિલ્લાના ૧૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે દરિયામાં 21 તારીખ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે, જ્યારે રાજ્યના 209 ડેમમાંથી અગિયાર ડેમ હાઈ એલર્ટ પર છે.
આ પણ વાંચો
પહેલા વરસાદે ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો