પહેલા વરસાદે ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં વધુ વરસાદ, 3 કલાકમાં 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
ગાંધીનગરઃ નૈઋત્ય ચોમાસાના આગમન સાથે જ ગુજરાતના ૩૩ જિલ્લાના ૨૨૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં બોટાદ તાલુકામાં સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૩ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
ગઈકાલે સવારના 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯.૧૮ ટકા, કચ્છ વિસ્તારમાં ૧૭.૫૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯.૭૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫.૭૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫.૪૫ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આશંકા છે. ઉપરાંત, ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.