February 10, 2026
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના તળાવો તથા ચેકડેમને નર્મદાનું જળ અપાશે

Spread the love

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ – તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો – અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું ૩૦,૬૮૯ MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે.

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે. ઉનાળાની ઋતુમાં પાકનું વાવેતર સરળ બને અને પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે હેતુસર નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવશે. આ પગલાથી ૬૦,૦૦૦ એકરથી વધુ ખેતીલાયક જમીનને સીધો લાભ મળશે.

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે લાખો ખેડૂતોને સિઝન પ્રમાણે ખેતીવાડી કરવામાં સુવિધા પ્રાપ્ત થશે. સમયસર પાણીનો વપરાશ કરવાને કારણે નુકસાન થવાની પણ શક્યતા રહેશે નહીં. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી હોવાથી ખેતીવાડીક્ષેત્રે સૌથી મોટા સંકટનું નિર્માણ થતું હોય છે, પરંતુ સરકારના નિર્ણયથી આગામી દિવસોમાં રાહત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!