February 18, 2026
ટોપ ન્યુઝ

મુંબઈના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને કોર્ટમાં રજૂ કરાયો, 20 દિવસના રિમાન્ડ માગ્યા

Spread the love

મુંબઈના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને કોર્ટમાં ગુરુવારે રાતના રજૂ કરવામાં આવ્યો હતો. આતંકવાદી તહવ્વુર રાણાને વિશેષ વિમાન મારફત અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ભારત લાવ્યા પછી તહવ્વુર રાણાને કોર્ટમાં રજૂ કર્યા પછી એનઆઈએએ 20 દિવસની કસ્ટડી માગી હતી જોકે, કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ આપવા એનો નિર્ણય અનામત રાખ્યો છે.

NIAના જજ ચંદ્રજીત સમક્ષ હાજર કરાયો
અમેરિકાથી ભારતમાં નવી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યા પછી સીધી એનઆઈએની કોર્ટમાં તહવ્વુર રાણાને હાજર કરવામાં આવ્યો હતો. પટિયાલા કોર્ટમાં એનઆઈએના ન્યાયાધીશ ચંદ્રજીત સિંહ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટમાં બંધ રુમમાં કેમેરા સામે પ્રોસિડિંગ હાથ ધરવામાં આવી હતી. તહવ્વુર રાણાને કોર્ટમાં લીગલ સર્વિસ ઓથોરિટી પણ પૂરી પાડવામાં આવી હતી.

દયાન કૃષ્ણ-નરેન્દ્ર માને એનઆઈએ વતી ઉપસ્થિત રહ્યા
કોર્ટમાં તહવ્વુર રાણાના વકીલ સહિત એનઆઈએની લીગલ ટીમના સિવાય જજ અને અન્ય સ્ટાફ જ હાજર રહ્યો હતો. દિલ્હીની કોર્ટમાં વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને વિશેષ સરકારી વકીલ નરેન્દ્ર માને એનઆઈએ વતીથી નિમણૂક કરી હતી. દિલ્હી યુનિવર્સિટીમાંથી 1990માં કાયદામાં સ્નાતક માને સીબીઆઈમાં પણ કામ કર્યું છે. દિલ્હી લીગલ સર્વિસીસ ઓથોરિટીના વકીલ પીયૂષ સચદેવે કોર્ટમાં તહવ્વુર રાણા તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જજને સત્તાવાર રીતે સમગ્ર કેસની માહિતી આપી હતી અને રાણાને મેડિકલની પણ જાણકારી આપી હતી. ત્યાર બાદ તહવ્વુર રાણાને પૂછપરછ માટે એનઆઈએ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો.

તહવ્વુર રાણા પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર હતો
કોણ છે તહવ્વુર રાણા તો તે પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. અમેરિકાના શિકાગોમાં રહી ચૂક્યો છે. 26 નવેમ્બર 2008ના મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાના ષડયંત્ર કરનારા પૈકી ડેવિડ કોલમેન હેડલીનો સાગરીત હતો. આ અગાઉ તહવ્વુર રાણા પાકિસ્તાનની આર્મીમાં ડોક્ટર તરીકે કામ કરી ચૂક્યો હતો. એના પછી નોકરી છોડીને ભારત વિરોધી આતંકવાદી ગતિવિધિમાં સામેલ થયો હતો. તહવ્વુર રાણાએ મુંબઈ પર આતંકવાદી હુમલો કરવા મદદ કરવાની સાથે સમગ્ર યોજનાનો ભાગ પણ હતો.

મુંબઈ હુમલાના ત્રીજા આરોપીની પૂછપરછ થઈ
અહીં એ જણાવવાનું કે અમેરિકાથી ભારત તહવ્વુર રાણાને લાવવામાં આવ્યા પછી તેનું મેડિકલ તપાસ કરવામાં આવી હતી, ત્યાર બાદ સખત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. એનઆઈએએ વિશેષ કોર્ટમાં 26-11 મુંબઈના આતંકવાદી હુમલાના મુખ્ય ષડયંત્રકર્તા તહવ્વુર હુસૈન રાણાની 20 દિવસની કસ્ટડી માગી છે. તહવ્વુર રાણા મુંબઈના આતંકવાદી હુમલાનો ત્રીજો આરોપી છે જેની પૂછપરછ કરવામાં આવશે. આ અગાઉ અજમલ કસાબ અને જબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જંદુાલની હુમલા અંગે પૂછપરછ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!