છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવાના કિસ્સામાં બે એફઆઈઆર, તપાસના આદેશ
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપિત શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા સોમવારે તૂટી ગયા પછી આ મુદ્દે વિવાદનું નિર્માણ થયું છે. આ સ્ટેચ્યુનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ મહિના પહેલા કર્યું હતું. આ પ્રતિમા તૂટી પડવા અંગે બે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે તેના મરમ્મત કામકાજ માટે નૌકાદળને રવાના કરવામાં આવ્યું છે.
જિલ્લાના એક કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવાના કિસ્સામાં બે લોકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. ફરિયાદમાં કોન્ટ્રાક્ટર અને આર્ટિસરી કંપનીના માલિકની કામગીરી અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર અને આર્ટિસરી કંપનીના માલિક જયદીપ આપટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ડોક્ટર ચેતન પાટીલની બેદરકારી અને કામની ખરાબ ગુણવત્તાની સાથે પ્રતિમાની આસપાસના લોકો દ્વારા સંભવિત નુકસાન પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. કહેવાય છે કે જયદીપ આપટે કલ્યાણના રહેવાસી છે, ડોક્ટર પાટિલ કોલ્હાપુરના નિવાસી છે. બંનેની સામે એક્શન લેતા આસિસ્ટંટ એન્જિનિયર અને પીડબલ્યુ અધિકારી અજિત પાટીલે સિંધુદુર્ગમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એફઆઈઆરમાં જણાવ્યું છે કે પીડબલ્યુ અધિકારીઓએ 20 ઓગસ્ટના કોન્ટ્રાક્ટરને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં નટ બોલ્ટ પર જંક્ લાગવા અંગે સતર્ક કરવામાં આવ્યા હતા. પ્રતિમાને જોખમ હોવાનું પણ જણાવ્યું હતું. આમ છતાં એના અંગે કોઈ દરકાર લેવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ધાટન આઠ મહિના પૂર્વે ચાર ડિસેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આ ઉદ્ધાટન નૌકાદળના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના સાહસ અને દૂરંદેશી નીતિને લઈ આ પ્રતિમા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘ જિલ્લાના એક કિલ્લામાં બનાવી હતી.
નૌકાદળના અધિકારીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, રાજ્ય સરકારે પણ ચિંતા વ્યક્ત કરતા સંબંધિત પ્રતિમાને નુકસાન અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ બનાવ પછી પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કિલ્લામાં આ પ્રતિમા બનાવવા પાછળ 3,600 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પહેલી નવેમ્બર 2018ના મહારાષ્ટ્રની કેબિનેટે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
