ગુજરાતમાં ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું ૩૫૦ કરોડનું કૃષિ રાહત પેકેજ
૯ જિલ્લાના ૪૫ તાલુકાનો આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત
ગાંધીનગરઃ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ મિક્સ રહી છે, જેમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું બરાબર રહ્યું છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ છે. બીજા રાઉન્ડમાં પણ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે ત્યારે રાજ્યમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકારે વિશેષ રિલીફ પેકેજ જાહેર કર્યું છે.
વિધાનસભામાં ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના અમુક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ મહિના દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આ સંજોગોમાં ખેડૂતોને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી સરકાર દ્વારા ઉદાર હાથે રુપિયા ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશાં ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે.
સરકારે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે. જેમાં…
રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો જાણી લો
(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૨) વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.