શનિવારે જરુરી કામ વહેલા પતાવી લેજો નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે…
બદલાપુર કેસઃ આરોપીના ઘરે અજાણ્યો લોકોએ કરી તોડફોડ

મુંબઈઃ કોલકાતામાં ડોક્ટરના રેપ પછી હત્યાના સમાચાર હજુ સુકાયા નહોતા, ત્યાં મહારાષ્ટ્રના બદલાપુરમાં બે માસુમ બાળકી પર યૌન શોષણનો કેસ બન્યો. આ કેસ નોંધવામાં વિલંબને લઈને સ્થાનિક લોકો રસ્તા અને રેલરોકો કર્યા પછી સરકાર જાગી. કોલકાતા કેસમાં સુપ્રીમ કોર્ટે પણ દખલ લઈને સરકારને પગલા ભરવાના આદેશ આપ્યા છે, જ્યારે બદલાપુરના કેસમાં હાઈ કોર્ટે દખલ લઈને આજે સુનાવણી હાથ ધરશે. એની વચ્ચે સ્થાનિકોએ સ્વયંભૂ રેલરોકો કરીને ટ્રેનસેવા રોકી હતી, જ્યારે શનિવારે વિપક્ષ પાર્ટી દ્વારા મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હોવાથી નાગરિકોએ જરુરી કામ વહેલા પતાવી લેવાનું હિતાવહ રહી શકે.
મહાવિકાસ આઘાડીની મહારાષ્ટ્ર બંધની જાહેરાત
બદલાપુર પ્રકરણમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)એ 24 ઓગસ્ટના મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. મહાવિકાસ આઘાડીના પક્ષોમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને શરદચંદ્ર પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. રાજ્યની વિધાનસભાના વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે મહાવિકાસ આઘાડીના સહયોગી દળોને મહારાષ્ટ્ર બંધમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું હતું કે સચિવાલયની બહાર કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે.
બુધવારે વિપક્ષે કર્યું હતું જોરદાર વિરોધ પ્રદર્શન
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકારની નિષ્ફળતા અંગે ચર્ચા કરી છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે બદલાપુરની ઘટનાને લઈ રાજ્ય સચિવાલય મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શનનનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત, બુધવારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા અને કાર્યકરોએ સત્તાધારી સરકારની નિષ્ફળતા અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સ્કૂલના ક્લિનર, ડ્રાઈવર, કેન્ટિન સ્ટાફનું પોલીસ વેરિફિકેશન જરુરી
દરમિયાન બદલાપુર મામલે સરકારે જિલ્લા ક્લેક્ટરને પત્ર લખ્યો છે તેમ જ સ્કૂલમાં મહિલા સ્વચ્છતા કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેમ જ શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મરક્ષા માટે વિશેષ અભિયાન શરુઆત કરવામાં આવે. શૈક્ષણિક સંસ્થામાં ડ્રાઈવર, કેન્ટિન સ્ટાફ, સુરક્ષા ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરવાનો પણ આદેશ આપ્યો છે.
આરોપી અક્ષય શિંદેને 26મી સુધી પોલીસ કસ્ટડી
બદલાપુર કેસમાં મુખ્ય આરોપીના ઘરે અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી અને એના સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. કલ્યાણ કોર્ટે આરોપી અક્ષય શિંદેને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી ફટકારી છે. આ કેસમાં પોલીસે પાંચ એફઆઈઆર નોંધવામાં આવી છે. યૌન શોષણના કેસમાં મહારાષ્ટ્ર સરકારે એસઆઈટી દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં એસઆઈટીની ટીમ દ્વારા પીડિત બાળકીના ઘરે નિવેદન લેવા પહોંચ્યા હતા.
આ બનાવ પછી સ્થાનિક લોકોએ ગુસ્સે ભરાઈને રેલવે ટ્રેક જામ કર્યો હતો. સ્કૂલમાં તોડફોડ કરવાને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકો સામે પોલીસે એફઆઈઆર નોંધી છે, જ્યારે 40 લોકોની ધરપકડ કરી છે.
