February 13, 2026
મુંબઈ

આખરે ખબર પડી જ ગઈ એ રેઈનકોટ કોનો હતો? આરપીએફે આરોપી સામે કરી કાર્યવાહી…

Spread the love

મુંબઈઃ મુંબઈમાં સતત પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો પણ ખોરવાઈ છે. ગઈકાલની વાત કરીએ તો પશ્ચિમ રેલવેનો ટ્રેનવ્યવહાર વરસાદે નહીં પણ એક રેઈનકોટે ખોરવી દીધી હતી. હવે આ રેઈનકોટ કોનો હતો એનો ખુલાસો થયો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઊભેલા એક યુવાને બીજા પ્લેટફોર્મ પર ઊભેલી પોતાની ગર્લફ્રેન્ડને આપવા માટે એ રેઈનકોટ ફેંક્યો હતો, પણ એ રેઈનકોટ બહેનપણી સુધી પહોંચે એ પહેલાં જ ઓવરહેડ વાયર (ઓએચઈ) પર અટકી ગયો હતો અને એને કારણે ટ્રેનવ્યવહાર 25 મિનિટ સુધી ખોરવાયો હતો.
ટ્રેન વ્યવહાર ખોરવાયા પછી રેલવે પ્રશાસન પર પસ્તાળ પડી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ઓવરહેડ વાયરમાં રેઈનકોટ ફસાઈ ગયો હતો. રેલવે અધિકારીઓની સાથે પોલીસ પણ આ પરાક્રમની તપાસ કરવામાં લાગી ગઈ હતી. જે તે વ્યક્તિ દ્વારા રેઈનકોટ ફેંકવામાં આવ્યા પછી તેને પહેલા દૂર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પોલીસ દ્વારા હવે આ યુવકની ઓળખ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે 19 વર્ષીય યુવકનું નામ સુમિત ભાગ્યવંત છે અને આ બેદરકારી બદલ આરપીએફ દ્વારા સુમિતની અટક કરવામાં આવી છે. આરપીએફે આરોપી સુમિતને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, મેજિસ્ટ્રેટે તેને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.


મુંબઈની લોકલ ટ્રેનો મુંબઈગરાની લાઈફલાઈન છે અને આ ટ્રેનવ્યવહાર ખોરવાઈ જતાં મુંબઈગરાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોમવારે પશ્ચિમ રેલવે પર રેઈનકોટને કારણે અને મધ્ય રેલવે પર સવારે સિગ્નલ ફેઈલ્યોરને કારણે તો બાદમાં એન્જિન ફેઈલ થવાને કારણે ટ્રેન વ્યવ્હાર ખોરવાયો હતો. એના પહેલાં રવિવારે પણ ભારે વરસાદ થયો હતો જેના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનવ્યવહાર પર તેની અસર જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!