મિસિંગ લિંક લેન્ડસ્લાઈડઃ એમએસઆરડીસીએ આ ઘટનાને ગણાવ્યો દૈવી પ્રકોપ, કહ્યું કે…
પુણે: રૂપિયા 6695 કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલી મુંબઈ-પુણે એક્સપ્રેસવેની ‘મિસિંગ લિંક’ ખાતે લેન્ડસ્લાઈડ થવાની ગંભીર ઘટના બાદ હવે વિવાદ વકર્યો છે. આ દુર્ઘટના પર પોતાનો બચાવ કરતા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને (એમએસઆરડીસી) તેને ‘કુદરતી પ્રકોપ’ એટલે કે એક્ટ ઓફ ગોડ ગણાવીને કોન્ટ્રાક્ટરને ક્લીન ચીટ આપી દીધી છે. આ મામલે રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાગરમી જોવા મળી રહી છે.
શું છે એમએસઆરડીસીનો દાવો?
એમએસઆરડીસીના વાઈસ પ્રેસિડેન્ટ અનિલકુમાર ગાયકવાડે જણાવ્યું હતું કે, અહીં આઈઆઈટી-બોમ્બે દ્વારા પ્રમાણિત ‘રૉક બોલ્ટિંગ મેશ’ જેવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, જે 15 મીટરની ઊંચાઈ સુધી સુરક્ષિત છે. પરંતુ, જે પથ્થરો પડ્યા તે 150 મીટરની ઊંચાઈએથી આવ્યા હતા, જે કુદરતી આફત છે અને તેની સામે ઈજનેરી કામગીરી પણ મર્યાદિત બની જાય છે.
જોકે, એમએસઆરડીસીના આ દાવાને લઈને વિપક્ષોએ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સરકારને આડેહાથ લીધી છે. કરોડો રૂપિયાના ખર્ચે આટલી હલકી ગુણવત્તાનું કામ કરવા બદલ વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે.
16 કલાકની જહેમત બાદ માર્ગ ખુલ્લો
છઠ્ઠી જુલાઈની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ 15થી 16 કલાકના યુદ્ધના ધોરણે ચાલેલા ઓપરેશન પછી કાટમાળને હટાવવામાં વહીવટીતંત્રને સફળતા મળી છે. સુરક્ષાની તપાસ કર્યા બાદ હવે આ માર્ગ પર ટૂંક સમયમાં જ વાહનવ્યવહાર પૂર્વવત થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
શું ખરેખર કોન્ટ્રાક્ટરની કોઈ જ ભૂલ નથી?
હવે આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે શું ખરેખર આ મામલે કોન્ટ્રાક્ટરની કોઈ જ ભૂલ નથી તો અધિકારીઓના મતે, સુરક્ષાત્મક જાળીઓ હોવાને કારણે જ મોટા ખડકોનો વેગ મંદ પડ્યો હતો, નહીંતર હજી વધારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. હવે વરસાદનું જોર ઓછું થયા બાદ આ વિસ્તારમાં સુરક્ષા જાળીને વધુ ઊંચાઈ સુધી લઈ જવાની અને પથ્થરોના જોખમની ફરી તપાસ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળના કરોડોના ખર્ચ છતાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.
