એક જ ઝટકામાં મુકેશ અંબાણીને 73,000 કરોડનો ફટકો, જાણો કેમ?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંતના લગ્નએ ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ડંકો વગાડી દીધો. પ્રીવેડિંગ સેલિબ્રેશનથી લઈને લગ્નને જાણે એક તહેવારના ઉજવણી કરીને લોકોના જનમાનસમાં મોટી છાપ છોડી છે. દીકરા અનંતના લગ્ન સુખરુપ કરાવીને પરિવારે રાહતો શ્વાસ લીધો છે, પરંતુ માર્કેટમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મોટી અફડાતફડી જોવા મળી હતી. મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં રિલાયન્સનો સ્ટોક ઘટીને ત્રણ હજાર રુપિયાની નીચે ગયો હતો.
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારે સાડા ત્રણ ટકાનો ઘટાડો થયો હતો, તેનાથી રોકાણકારોને સૌથી મોટું ફટકો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં જંગી વેચવાલી થઈ હતી. માર્કેટના વર્તુળોએ જણાવ્યું છે કે અપેક્ષા પ્રમાણે કંપનીના પરિણામો નહીં આવવાથી માર્કેટમાં સ્ટોકમાં ગાબડું પડ્યું હતું.
સોમવારના પહેલા દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ગાબડું પડ્યું હતું. બીએસઈના આંકડા પ્રમાણે શેરના ભાવ 3.49 ટકા એટલે 108.40 રુપિયા ઘટીને શેરનો ભાવ 3,001.10ની સપાટીએ રહ્યો હતો, જ્યારે શુક્રવારે સ્ટોકનો ભાવ 3,109.50 રુપિયા હતો. જોકે ચાલુ માર્કેટમાં સ્ટોકનો ભાવ વધીને 3,070 તેમ જ ઘટીને 2,998 રુપિયા પણ બોલાયો હતો.
નવ મહિનામાં 35 ટકાનો ફાયદો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ભાવમાં ભલે શોર્ટ ટર્મમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારોને ફાયદો થયો છે. છેલ્લા નવ મહિના એટલે બાવન અઠવાડિયામાં કંપનીના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. 26મી ઓક્ટોબરના રિલાયન્સના ભાવ 2,241 રુપિયાના બાવન હપ્તાહના તળિયે પહોંચ્યો હતો, ત્યારબાદ કંપનીના શેરના ભાવમાં 780 રુપિયાનો ફાયદો થયો હતો.
રિલાયન્સના ભાવમાં ઘટાડા માટેનું જવાબદાર કારણ એક એ છે કે કંપનીના ત્રિમાસિક પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝના નફામાં 20 ટકાનો ઘટાડો થયો છે. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં કંપનીએ 18,951 કરોડ રુપિયાનો નફો થયો હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં કંપનીનો નફો ઘટીને 15,138 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાનગાળામાં કંપનીનો નફો 16,011 કરોડ રુપિયા થયો હતો. વાર્ષિક રીતે જોઈએ તો કંપનીના નફામાં 5.45 ટકાનો ઘટાડો થયો છે.
