જમ્મુ કાશ્મીરના ડોડામાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, પાંચ જવાન શહીદ
ડોડાઃ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સામે આર્મીની કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ એક અધિકારી સહિત પાંચ જવાન શહીદ થવાના સમાચાર છે. આ પાંચ જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના આતંકવાદીઓ સામેની સ્પેશિયલ કાર્યવાહીમાં આતંકવાદીઓ સાથે જોરદાર અથડામણ થઈ હતી. ડોડાથી લગભગ પંચાવન કિલોમીટર અંતરેના દેસ વન વિસ્તારમાં સર્ચ અભિયાન દરમિયાન આર્મીના પાંચ જવાન શહીદ થયા છે.
સર્ચ અભિયાન દરમિયાન ગોળીબાર કર્યા પછી આતંકવાદીઓ ભાગવાની કોશિશ કરી હતી. ત્યારબાદ એક અધિકારીના નેતૃત્વમાં સૈનિકોએ તેમનો પીછો કર્યો હતો, ત્યારબાદ રાતના નવ વાગ્યાના સુમારે જંગલમાં ઘર્ષણ થયું હતું, જેમાં આમનેસામને ગોળીબારમાં અધિકારી સહિત પાંચ જવાન ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે સવારે જીવ ગુમાવ્યો હતો. આતંકવાદી સંગઠન ડોડા ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે અને આ જ સંગઠન જૈશ-ઐ-મહોમ્મદનું ઓફ શૂટ સંગઠન છે, જેને તાજેતરમાં કઠુઆ હુમલામાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
આ હુમલા પછી આર્મી દ્વારા વિશેષ ટુકડી મોકલવામાં આવી હતી તેમ જ હાલમાં ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓની ગતિવિધિઓને લઈને ઓપરેશન ચાલુ છે. હાલમાં ઓપરેશન ચાલુ છે, પણ વિગતવાર અહેવાલ આવવાની રાહ જોવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ નિરંતર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોડામાં હુમલા પછી ધારી ગોટે ઉરારબાગીમાં પોલીસ અને આર્મી દ્વારા સર્ચ ઓપરેશન સાથે ઘેરાબંધી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં આર્મીએ ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે. આ ત્રણેય પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પકડવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ મોટા હુમલા કરવાની તૈયારીમાં હતા. કુપવાડા પોલીસની સાથે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કેરન સેક્ટરમાં એલઓસી (નિયંત્રણ રેખા) પર ઘૂસણખોરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઓપરેશન ધનુષમાં આર્મીએ એકે-47 રાઈફલ, ચાર પિસ્તોલ અને છ બોમ્બગોળા સહિત અન્ય હથિયારો જપ્ત કર્યા હતા. એના સિવાય પાકિસ્તાનના માર્કવાળી સિગારેટ અને ફૂડ જપ્ત કર્યું હતું. અલગ અલગ સેક્ટરમાં આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં કૂલ છ આતંકવાદીઓને મારવામાં આવ્યા છે. અહીં એ જણાવવાનું કે નવમી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા એ જ દિવસે રિયાસીમાં બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં નવ ભક્તનાં મોત થયા હતા. નવથી અગિયારમી જૂનમાં આતંકવાદીઓએ ચાર હુમલા કર્યા હતા.
