સિદ્ધિવિનાયક મંદિરમાં નહીં કરી શકાય VIP દર્શન, ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય…
મુંબઈ: મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં વીઆઈપી દર્શનને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. મુંબઈના આ ગણેશ મંદિરમાં અંગારકી સંકષ્ટી ચતુર્થીના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે. મંદિરમાં તમામ ભક્તોને એક સમાન દર્શન કરવાની સુવિધા આપવામાં આવે એવી માંગણી કરાઈ રહી હતી. પરિણામે મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શન માટે આપવામાં આવતો પાસ હવે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
આ બાબતે વિસ્તારથી વાત કરવાની થાય તો મંદિર દ્વારા ભક્તોને આપવામાં આવતા વીઆઈપી અને વીવીઆઈપી પાસને કારણે સામાન્ય ભક્તોને દર્શન કરવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ મનસેના ઉપાધ્યક્ષ દ્વારા આ બાબતે આક્રમક વલણ દાખવવામાં આવતા ટ્રસ્ટ દ્વારા આ બંને દર્શન બંધ કરવામાં આવ્યા હતા.
આ વર્ષે ફરી વીઆઈપી અને વીવીઆઈપી દર્શન શરૂ કરવા બાબતે મંદિર ટ્રસ્ટ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા જ તેમણે ફરી વખત આ બાબતે પ્રશાસનને સવાલ કર્યો હતો ત્યારે તેમને આ વીઆઈપી દર્શન બંધ હોવાની માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને મુંબઈ ફરવા આવનારા ભક્તો પણ આ મંદિરની મુલાકાત લેવા આવે છે.
દરમિયાન મહારાષ્ટ્રના પંઢરપુર ખાતે પણ અષાઢ વારીની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 17મી જુલાઈના રોજ અષાઢ વારી (શોભાયાત્રા) ઉત્સાહનું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 7મી જુલાઈથી ભક્તો 24 કલાક ભગવાન પાંડુરંગ દર્શન કરી શકશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.
