ગઈકાલે રાહત, આજે ઝટકોઃ કેજરીવાલને જામીન આપવાનો હાઈ કોર્ટનો ઈનકાર
નવી દિલ્હીઃ લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી પૂર્વે શરતી જામીન આપવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને જેલમાં સરેન્ડર કરવાની નોબત આવી હતી. લીકર કેસ સાથે મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ગઈકાલે જામીન આપ્યા હતા. આમ છતાં એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ (ઈડી)એ નીચલી કોર્ટના ચુકાદાને પડકારતા આજે હાઈ કોર્ટે કેજરીવાલના જામીન ફગાવ્યા હતા.
ગુરુવારે દિલ્હીમાં નીચલી કોર્ટે કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા. જોકે, આજે ઈડીની અરજીની સુનાવણીમાં નીચલી કોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી. આ મુદ્દે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે આગામી સુનાવણી થશે ત્યાં સુધી નીચલી કોર્ટના ચુકાદા પર પ્રતિબંધ રહેશે. અલબત્ત, જ્યાં સુધી કોર્ટ સુનાવણી કરશે નહીં ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી છૂટશે નહીં.
આજે હાઈ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને આપેલા જામીનની વિરોધમાં ઈડી કોર્ટમાં તાત્કાલિક અરજી કરી હતી. એની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી અમે આ કેસમાં સુનાવણી કરીશું નહીં, ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અમલી રહેશે નહીં.
ગઈકાલે આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર કેસમાં જામીન આપવામાં આવ્યા હતા, તેથી પાર્ટીના કાર્યકરોને એમ હતું કે આજે કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે, પરંતુ કોર્ટે રોક લગાવતા કેજરીવાલને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
ઈડીએ ગુરુવારે કોર્ટમાં દલીલ કરી હતી ગુનાથી કરેલી કમાણી અને સાથી આરોપીઓ સાથે કેજરીવાલની સાઠગાઠ છે. બીજી બાજુ કેજરીવાલના વકીલે દલીલ કરી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સી પાસે એના અંગે પુરાવા નથી, તેથી જામીન આપવા જોઈએ. હાઈ કોર્ટના આદેશને કારણે હવે કેજરીવાલને સુનાવણી સુધી બહાર આવવાનું મુશ્કેલ રહી શકે છે.
દરમિયાન ઈડીના હાઈ કોર્ટમાં અરજી કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે હજુ સુધી નીચલી કોર્ટનો આદેશ આવ્યો નથી તો કયા આધારે ઈડી હાઈ કોર્ટમાં પહોંચી હતી. જોકે, ગઈકાલે નીચલી કોર્ટે કેજરીવાલને જામીન આપીને અમુક શરતો પણ મૂકી હતી.
